જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખગોળ પ્રેમી જનમેદનીની વચ્ચે પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ યોજાયો
-
જામનગરના જિલ્લા કલેકટર- અધિક કલેકટર- એસપીના પરિવાર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાક્ષી બન્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫, જાન્યુઆરી ૨૫ જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઈકાલે તા. ૨૪મી જાન્યુઆરી ના રોજ સાંજે ૭.૦૦ વાગ્યા થી રાત્રી ના ૧૨.૦૦ વાગ્યા સુધીના પાંચ કલાકના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહો નું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન નો કાર્યક્રમ ખગોળ મંડળ- જામનગર તથા એમ. ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. આ નિદર્શનના કાર્યક્રમમાં હજારો ની સંખ્યા માં ખગોળ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. તેમજ જામનગર શહેર અને જિલ્લાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહીને સમગ્ર ખગોળીય ઘટના ના સાક્ષી બન્યા હતા.જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, તેમજ ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા તેરે ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ તેઓએ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે ખગોળ પ્રેમી જનતા ને શુભકામનાઓ પાઠવી હતી.આ નિદર્શન ના કાર્યક્રમમાં જામનગરના જિલ્લા કલેકટર ભાવિનકુમાર પંડ્યા પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા, અને પ્લેનેટ પરેડનું ટેલિસ્કોપથી નિરીક્ષણ કરીને અભિભૂત થયા હતા. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના પરિવાર, અધિક કલેકટર બી.એન. ખેર, શહેર વિભાગના પ્રાંત અધિકારી પી.બી. પરમાર ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર હષિત વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા વગેરે પરિવાર સાથે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા હતા, અને પ્લેનેટ નિદર્શન નો કાર્યક્રમ ટેલિસ્કોપ ના માધ્યમથી નિહાળ્યો હતો.જામનગર ખગોળ મંડળના મુખ્ય સંયોજક કિરીટભાઈ શાહ, અને કિરીટભાઈ વ્યાસ, તેમજ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળના સુધાબેન ખંઢેરીયા ના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા, રવિ ગજ્જર, પંકજ ડાંગર, સદામભાઇ નારેજા અને નદીમભાઈ નારેજા વગેરેની ટિમ દ્વારા જુદા જુદા પાંચ ટેલિસ્કોપ ગોઠવીને પ્લેનેટ નીદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ખગોળ પ્રેમીઓએ ઉપસ્થિત રહી સાંજે ૭,૦૦ વાગ્યાથી લઈને રાત્રીના ૧૨,૦૦ વાગ્યા સુધી પ્લેનેટ પરેડ ની ખગોળીય ઘટના નીહાળી હતી જેમાં ખાસ કરીને બાળકોનો ઉત્સાહ વધારે જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ નાના ભૂલકાઓ સહિતના ખગોળ પ્રેમી નગરજનોએ મોડીરાત્રી સુધી લાંબી લાંબી કતાર લગાવી હતી, અને પ્લેનેટ પરેડ નો કાર્યક્રમ નિહાળ્યો હતો.