જામનગરમાં ‘ગુજસીટોક’ પ્રકરણમાં ભુમાફીયા જયેશ પટેલ ઉપર વધુ એક તવાઇ:જુવો VIDEO

0
2694

જામનગરમાં ‘ગુજસીટોક’ પ્રકરણમાં ભુમાફીયા જયેશ પટેલ ઉપર વધુ એક તવાઇ

  • ભૂમાફિયા જયેશ પટેલની કરોડો રૂપિયાની જમીન લેવાઇ ટાંચમાં
  • ડીયાએસપી જે.એન.ઝાલાની રાહબારી હેઠળ કાર્યવાહી
  • રણજીતસાગર રોડ પર આવેલા પ્લોટ 13 પ્લોટ જપ્ત કરતી પોલીસ
  • સાંઇબાબા મંદિર વિસ્તાર ગોકુલદર્શન ખાતેની 650 ફુટની જમીન – મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાઇ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક- તા. ૧૯ ઓક્ટોબર ૨૨ જામનગરના ચચાસ્પદ પ્રકરણ જેના ગાંધીનગર અને દિલ્હી સુધી જેના પડઘા પડ્યા હોય તેવા જામનગરના ‘ગુજસીટોક’ પ્રકરરણમાં છેલ્લા ઘણા સમયથી કોઇ કાર્યવાહી થઇ ”ન” હોય અને અચાનક જ બુધવારે સવારે જામનગર પોલીસે આ પ્રકરણમાં કડક કાર્યવાહી કરતા શહેરભરમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જયેશ પટેલ ભલે ફરાર હોય કે લંડનની જેલમાં હોય પરંતુ ‘ગુજસીટોક’માં તેના પર તવાઇ બોલાવવાનું હજુ ચાલુ હોય અને બુધવારથી કાર્યવાહીથી ટાંચ લેવાયેલ કરોડો રૂપિયાની જમીનથી તેના ઉપર વધુ એક મોટો ફટકો પડ્યો છે.

જામનગરના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા (ડીવાયએસપી)એ ‘ગુજસીટોક’ (ગુજરાત ક્ંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) હેઠળ કાર્યવાહી હાથ ધરતા આ પ્રકરણના મુખ્ય આરોપી એવા ભૂમાફિયા જયેશ પટેલની કરોડો રૂપિયાની જમીન ટાંચમાં લેવાઇ છે.જામનગર પોલીસે બુધવારે સવારે રણજીતસાગર રોડ પર આવેલા પ્લોટ 13 પ્લોટ જપ્ત કરી લીધા છે.આ અંગેની વિસ્તૃત વિગત મુજબ, જામનગરના કુખ્યાત અને ભૂ-માફિયા જયેશ પટેલ સામે અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલા છે જેમાં પારકી જમીન પચાવી પાડવી, ખંડણી વસુલવા, ફાયરીંગ કરાવવું, એક એડવોકેટની હત્યા કરાવવી સહિતના ગુન્હાઓમાં વોન્ટેડ એવા આ આરોપી અને તેની ગેંગ ફરતે કાયદાનો સકંજો કસવા માટે બે વર્ષ પહેલા ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોેંંધાયા પછી ગયા વર્ષે આ શખ્સની મનાતી કેટલીક જગ્યાઓ પોલીસે ટાંચમાં લીધી હતી.

દરમ્યાન બુધવારે સવારે જામનગર પોલીસે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને શહેર ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલાના વડપણ હેઠળ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા રે.સર્વે.નંબર.1084માં સમાવિષ્ટ પ્લોટ નં.62, 63, 64, 65, 253, 254, 262, 263, 264, 584, 675, 751 અને 752 નંબરના કુલ 13 પ્લોટ ટાંચમાં લીધા છે. તે 18.12 ચો.મી. એટલે કે 18497 ફૂટ જેવી બિનખેતી થયેલી આ જગ્યા રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચનાથી અને વર્ષ 2020માં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુન્હાના કામમાં જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ સ્થળે ઉપરોક્ત પ્લોટ ટાંચમાં લેવાતા હોવાની જાણ કરતું બોર્ડ પણ લગાડ્યું છે. આ કાર્યવાહી વેળાએ ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલા સહિતનો પોલીસ કાફલો કાર્યવાહી સ્થળે હાજર રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોલીસ સહિતની ટુકડી દ્વારા ગુજસીટોકના આરોપીઓ દ્વારા ગેરકાયદે રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારોમાં ગુજસીટોકના આરોપીની મિલકતો ટાંચમાં લીધી હતી.