જામનગરમાં વધુ એક ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

0
605

જામનગરમાં વધુ એક ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

ગુલાબનગર વિસ્તારના રહેણાંક મકાનમાંથી રાંધણ ગેસના સિલીન્ડર-રેગ્યુલર સહિતના મુદ્દામાલ સાથે બે ભાઇની ધરપકડ

જામનગર : જામનગરમાં ગુલાબનગર નજીક જુની શાક માર્કેટ વિસ્તારના ગંગા નિવાસ નામના મકાનમાં રહેતા મનીષ ગોરધનભાઈ નડિયાપરા અને તેના ભાઈ ધર્મેન્દ્ર ગોરધનભાઈ નડિયાપરા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બિન અધિકૃત રીતે ગેસના બાટલામાંથી ગેસનું રીફીલિંગ કરી તેનું ગેરકાયદે રીતે ખાનગીમાં વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું.

જેથી સીટી બી ડિવિઝનની પોલીસ ટુકડી ગઇકાલે મોડી સાંજે ઉપરાંત રહેણાંક મકાને પહોંચી હતી, અને દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનની અંદર ઉપરોક્ત બંને ભાઈઓ રાંધણ ગેસના બાટલા માંથી નળી-રેગ્યુલેટર વગેરે જોઈન્ટ કરીને બિનઅધિકૃત રીતે ગેસનું રિફિલિંગ કરી રહેલા રંગે હાથ પકડાયા હતા.

આથી પોલીસે બંનેની અટકાયત કરી લઈ તેઓના રહેણાંક મકાનમાંથી ગેસ ભરેલા 3 નંગ બાટલા તેમજ બે નંગ ખાલી બાટલા ઉપરાંત ગેસ રીફીલિંગ કરવા માટે ની નળી, રેગ્યુલેટર ઈલેક્ટ્રીક વજન કાંટો વગેરે કબજે કરી લીધા હતા. જ્યારે આ પ્રકરણમાં જતીન નામનો અન્ય એક શખ્સ સંડોવાયેલો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે.

ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આઇ.પી. સી.કલમ 185,114 તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ 7 અને 11 મુજબ ગુનો નોંધ્યો છે.

સમગ્ર મામલે પુરવઠા શાખા ને પણ જાણ કરવામાં આવી છે.