જામનગરના કુખ્યાત ‘રજાક સોપારી’ ગેંગ સામે વધુ એક ગુનો નોંધાયો

0
16194

જામનગરના કુખ્યાત રજાક સોપારી ગેંગ દ્વારા લોન પર લીધેલા ટ્રકો ના હપ્તા નહીં ભરી ખાનગી ફાઈનાન્સ કંપનીને ૧૩ કરોડના ધુમ્બો માર્યો

  • પોલીસે પૂર્વ યોજિત કાવતરું ઘડવા અંગે રજાક સોપારી અને તેની ટીમ સામે ગુનો નોંધ્યા પછી પાંચની અટકાયત: ૨૬ ટ્રક કબ્જે કર્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ઓગસ્ટ ૨૪, જામનગર ના કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો દ્વારા જામનગરની ખાનગી ફાઈનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા પછી તેના હપ્તા નહીં ભરી ફાઈનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું, અને પોલીસે રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો સામે ગુનો નોંધ્યા પછી પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા દસ કરોડના ૨૬ ટ્રક કબ્જે કર્યા છે. ખાનગી કંપનીને કુલ ૧૩ કરોડનું નુકસાન પહોંચાડ્યા નું સામે આવ્યું છે.

જામનગરના કુખ્યાત સૂત્રધાર રજાક સોપારી તેમજ તેના અન્ય બે સાગરીતો અનવર નોતીયાર અને રામભાઈ નંદાણીયા કે જે ત્રણેય દ્વારા નૂર કંપની ચલાવીને ખાનગી ફાઈનાન્સ કંપનીના ટ્રકો વગેરે મેળવી કંપનીને નુકશાન કરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે આવા ૩૬ જેટલા ટ્રકોની ખરીદી કરીને તેના હપ્તા નહીં ભરી ફાઇનાન્સ કંપનીને આશરે ૧૩ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. તેમ જ ટ્રકો ને સીઝ કરવાની કાર્યવાહી કરતા સમયે રજાક સોપારી અને તેની ગેંગ દ્વારા ઉપરોક્ત ટ્રકો રજાક સોપારીના છે તેમ કહી ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હતા, અને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું.

જે મામલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પૂર્વ યોજિત કાવતરું ઘડવા સહિતની જુદી જુદી કલમો હેઠળ રજાક સોપારી ગેંગ અને તેના સાગરીતો સામે અપરાધ નોંધ્યો હતો.જે ગુનામાં આજે પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી ૨૬ ટ્રક કબજે કરી લીધા છે. ઉપરાંત અન્ય સાગ્રીતોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.