જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેન્ક માં તાળા તોડી ચોરીનો પ્રયાસ

0
2772

જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેન્ક માં તાળા તોડી ચોરીનો પ્રયાસ

  • સીટી સી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરવા ઘુસેલા નેપાળી શખ્સ ને ઝડપી લીધો
  • બેંકમાં તાળા તોડી અંદર પ્રવેશ કરી સ્ટ્રોંગરૂમ ની દિવાલ તોડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૪, જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંક ની બ્રાન્ચમાં મકરસક્રાંતિની પૂર્વ રાત્રી દરમિયાન તસકરે ચોરીનો પ્રયાસ કર્યો હતો, અને તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ સ્ટ્રોંગરૂમની દિવાલ તોડવાના પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. દરમિયાન સીટી સી. ડિવિઝન પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસના આધારે નેપાળી શખ્સને ઝડપી લીધો છે, અને પૂછપરછ હાથ ધરી છે. જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ બેંકની બ્રાન્ચમાં ગત શનિવારની રાત્રી થી રવિવારના મકરસંક્રાંતિના તહેવારના દિવસ દરમિયાન કોઇ તસ્કરોએ બેંકના શટરના તાળા તોડી નાખ્યા હતા, અને અંદર પ્રવેશ મેળવી લીધો હતો.

ત્યારબાદ બેંકનું સાહિત્ય રફેદફે કરી નાખી સ્ટ્રોંગ રૂમની દિવાલને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી, અને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.સોમવારે સવારે બેંક ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી બેંકના મેનેજર દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા, પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. ચૌધરી તેમજ પીએસઆઈ એસ.એમ. સીસોદીયા ની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને બેંકના સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારના પણ કેમેરાઓ વગેરેની ચકાસણી કર્યા પછી બેંકની ચોરીના પ્રયાસ અંગેના બનાવ નો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને એક નેપાળી શખ્સની અટકાયત કરી લીધી છેજેણે કટર જેવા હથીયારની મદદથી બેંકના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, પરંતુ તિજોરી તોડવામાં નિષ્ફળ ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.