જામનગરના એરપોર્ટના મુખ્ય ગેઇટ પાસે કલર કામ કરતી વેળાએ સર્જાઈ દુર્ઘટના
- કલર કામ માટેનો ઘોડો ઉપરથી પસાર થઈ રહેલી હેવી વિજ લાઈનને અડી જતાં વિજ શોક લાગવાથી એક શ્રમિક નું સ્થળ પર જ મૃત્યુ
- અન્ય એક મહિલા સહિતના બે શ્રમિકને વીજ આંચકો લાગતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા: અન્ય એક મહિલાનું પણ બીપી લો થયું
- જામનગર મહાનગરપાલિકાની ટુકડી-૧૦૮ ની ટીમ તેમજ પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડતી થઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જાન્યુઆરી ૨૪ જામનગરના એરપોર્ટ પર મુખ્ય ગેટ પાસે કલર કામ કરતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી” અને એક શ્રમિકનું વીજ શોક લાગવાથી સ્થળ પર જ ભડથું થઈ જવાના કારણે મૃત્યુ નીપજયું છે, જેથી ભારે બિહામણાં દ્રશ્યો સર્જાયા હતા, ઉપરાંત એક મહિલા સહિત અન્ય બે શ્રમિકોને વીજ આંચકો લાગ્યો છે, જ્યારે એક મહિલાનું બીપી લૉ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ બાદ ૧૦૮ ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી અને પોલીસ તંત્ર દોડતું થયું છે.આ ગોઝારી દુર્ઘટના અંગેની વિગતો એવી છે કે જામનગરના એરપોર્ટ પર મુખ્ય પ્રવેશ દ્વાર કે જેની પોલ સહિતની કમાન ના ભાગે કલર કામ ચાલી રહ્યું હતું, અને બે મહિલા સહિતના ચાર શ્રમિકો કલર કામ કરી રહ્યા હતા.
સવારે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં ઉપરની હાઈટમાં કલર કામ કરવા ના ભાગરૂપે શ્રમિકો દ્વારા લોખંડનો મોટો ઘોડો ખસેડીને લઈ જવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી હેવી વિજ લાઈનને લોખંડનો ઘોડો અડી જતાં સ્પાર્ક થયો હતો, અને લોખંડનો ઘોડો ખસેડી રહેલા શ્રમિક નિકુંજપરી મહેશપરી ગોસ્વામી (ઉંમર વર્ષ ૨૫) ને વિજ આંચકો લાગ્યો હતો, અને ત્યારબાદ પોતે ત્યાં જ ભડથું થઈને સળગવા લાગ્યો હતો, જેથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ ઉપરાંત તેઓની સાથે જ કામ કરી રહેલા ચંદ્રેશભાઇ સુખાનંદી, તેમજ સંગીતાબેન ભટ્ટી કે જે બંનેને પણ સામાન્ય વિજ આંચકો લાગ્યો હતો, અને ફેંકાઈ ગયા હતા. આ ઉપરાંત અલ્પાબેન નામની અન્ય શ્રમિક મહિલા કે જે સમગ્ર દુર્ઘટના ને જોઈને તેણીનું લૉ બીપી થઈ ગયું હતું, અને ત્યાં ઢળી પડી હતી.આ ઘટનાની જાણ થવાથી સૌપ્રથમ ૧૦૮ ની ટીમ, તેમજ ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડતી થઈ હતી, અને ભડથુ થઈ રહેલા નિકુંજપરી ગોસ્વામી પર કપડું ઢાંકીને તેને ઠારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જે મૂળ સુરતના વતની છે, અને હાલ દિગજામ સર્કલ પાસે રહીને કલરકામની મજૂરી કરે છે. જેણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
આ ઉપરાંત અન્ય બે શ્રમિકો ચંદ્રેશ સુખાનંદી અને સંગીતાબેન ભટ્ટી કે જેઓને સામાન્ય વિજ આંચકો લાગ્યો હોવાથી તેમજ અલ્પાબેન નામની મહિલાનું લૉ બીપી થઈ ગયું હોવાથી ત્રણેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે, અને તેઓને પ્રાથમિક સારવાર અપાઇ છે.
આ બનાવની જાણ થતા પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વક ની તપાસ શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટીની ટીમ તેમ જ પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.