પેરોલ પર છૂટી ફરાર થયેલો વાડીનારનો શખ્સ કચ્છથી ઝડપાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ જુલાઈ ૨૩ : ખંભાળીયાના વાડીનાર ગામે રહેતા ફકીરમામદ હુશેન સુંભણીયા સામે થોડા સમય પૂર્વે સ્થાનિક કોર્ટમાં પોક્સો એક્ટ સહિતનો ગુનો નોંધાયો હતો. જે પ્રકરણમાં નામદાર અદાલતે પાંચ વર્ષની સજા ફટકારતા આરોપીને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ગત તારીખ 12 જૂનના રોજ તેને 15 દિવસની પેરોલ રજા પર જેલમુક્ત કરવામાં આવતા આ અંગેની મુદત પૂર્ણ થયે રજા પરથી પરત ફરવાના બદલે આ શખ્સ નાસી છૂટ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી ફકીરમામદને કચ્છ જિલ્લાના મુન્દ્રા નજીકના કંડાગરા ગામેથી ઝડપી લઇ, તેને પુન: રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કૃષ્ણપાલર્સિંહ .કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર તેમજ ડી.જી. ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.