જામનગરમાં જાનમાલની નુકસાની અટકાવવા “વહીવટી તંત્ર” ખડે પગે

0
1895

સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક: જિલ્લામાં જાનમાલની નુકસાની અટકાવવા વિવિધ વિભાગો દ્વારા લેવાઈ રહેલ અનેકવિધ અસરકારક પગલાઓ

  • આકસ્મિક સંજોગોમાં પીવાના પાણી માટે દરિયાકાંઠાના ૨૨ ગામો માટે ૧૧ ટેન્કર સ્ટેન્ડ ટુ રખાયા
  • પી.જી.વી.સી.એલ.ના ૧૦૨ કોન્ટ્રાકટરો જરૂરી સાધન સામગ્રી તથા વાહનો સાથે ફરજ પર તૈનાત
  • માર્ગ અને મકાન વિભાગની ૧૯ ટીમો જે.સી.બી, ટ્રેકટર, ડમ્પર, લોડર સાથે અલગ અલગ સ્થળો પર ફરજરત
  • સિંચાઇ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોને વોર્નીંગ આપવા તથા સ્થાનિક તંત્રને જાણ કરવા જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈ

દેશ દેવી ન્યુઝ તા.૧૫ જૂન ૨૩ જામનગર બિપરજોય વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલનું ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક અને સાબદુ બન્યું છે. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા આ માટે અનેકવિધ અસરકારક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.

જેમાં તંત્ર દ્વારા દરિયાકાંઠાના ગામોમાં દરિયાની નજીકનાં કાચા મકાનો તથા ઝુ૫ડાઓમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના 4442 તથા મહાનગરપાલિકા વિસ્તારના 5500 મળી કુલ 9942 લોકોનું સ્થળાંતર કરેલ છે.તેમજ આશ્રયસ્થાનોમાં રહેતા લોકો માટે આજ દિન સુધીમાં 48,000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે. રાજય સરકાર તરફથી NDRF ની ૨ ટીમ તથા SDRFની ર ટીમ જામનગરને ફાળવવામાં આવેલ છે જેમાંની SDRFની એક ટીમ લાલપુર તાલુકાના ઝાંખર મુકામે તથા એક ટીમ જામનગર પટેલ સમાજ મુકામે ફાળવવામાં આવેલ છે જ્યારે NDRF ની ૧ ટીમ જોડીયા તથા ૧ ટીમ જામનગર ગ્રામ્ય તાલુકાના બેડ મુકામે ફાળવવામાં આવેલ છે.

પી.જી.વી.સી.એલ.ના ૧૦૨ કોન્ટ્રાકટરોને જરૂરી સાધન સામગ્રી અને વાહન સાથે સ્ટેન્ડ ટૂ રાખેલ છે. જે પૈકી ૩૬ કોન્ટ્રાકટર તાત્કાલિક વિજપોલ ઉભા કરી શકે તેવા નિષ્ણાંતની સેવા લેવાયેલ છે. જે ઉપરાંત ૩૧ કોન્ટ્રાકટરો અન્ય જિલ્લામાંથી આવેલ છે. હાલ પીજીવીસીએલ પાસે ૮૪૩૮ વિજપોલ ઉપલબ્ઘ છે. 

પાણી પૂરવઠા બોર્ડ દ્વારા આકસ્મિક સંજોગોમાં પીવાના પાણીનો પૂરવઠો પૂર્વવત કરવા અલગ અલગ ૪ ટીમો જરૂરી સાધનો સાથે સ્ટેન્ડ ટૂ રાખેલ છે તથા જરૂરી પાણીની જથ્થો અનામત રાખવા અને સંપ પૂર્ણ સપાટીથી ભરવામાં આવેલ છે. આકસ્મિક સંજોગોમાં પીવાના પાણી માટે દરિયાકાંઠાના ૨૨ ગામો માટે ૧૧ ટેન્કર સ્ટેન્ડ ટુ રાખેલ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયેલ હોય તેમજ આકસ્મિક સંજોગોમાં રોડ બ્લોક થવા, ઝાડ પડવા વિગેરે કારણોસર રસ્તાઓ બંધ થાય તેના રીસ્ટોરેશન માટે કુલ ૧૮ ટીમો જે.સી.બી., ટ્રેકટર, ડમ્પર, લોડર સાથે અલગ અલગ સ્થળો પર સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. 

સિંચાઇ વિભાગ દ્વારા જિલ્લામાં આવેલ દરેક ડેમ ઉપર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે તેમજ ડેમોમાં પાણીનું રૂટ લેવલ જાળવવા અલગથી અધિકારી તથા કર્મચારીઓની નિયુકિત કરેલ છે. ડેમમાંથી પાણી છોડવાના કિસ્સામાં અગાઉથી નીચાણવાળા વિસ્તારોને વોર્નીંગ આપવા તથા સ્થાનિક તંત્રને જાણ કરવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ડેમોને નુકસાની થવાના સંજોગોમાં તાત્કાલિક રીપેરીંગ કરવા અર્થે જરૂરી સાધનસામગ્રી સાથેની ટીમો તૈયાર રાખવામાં આવેલ છે.

 વન વિભાગ દ્વારા જરૂરી ઘાસનો જથ્થો ઉપલબ્ઘ રાખવામાં આવેલ છે તથા વાવાઝોડા કે વરસાદથી નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ અલગ અલગ ટીમો બનાવી વન વિસ્તારમાં મોબાઇલ ટીમો દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ નડતરરૂપ વૃક્ષો દુર કરવા જરૂરી સાધનો સાથેની ટીમોની રચના કરવામાં આવેલ છે.

અહેવાલ-વિરેન્દ્રસિંહ પરમાર