જામનગરમાં બે શખ્સો દ્વારા કુરિયરમાં પાર્સલ મારફતે મુંબઈ થી દારૂ મંગાવવા અંગેનું પ્રકરણ
-
પોલીસે બંને આરોપી સામે ખોટા માલ-સામાનની નીશાની ઉભી કરી વિશ્વાસઘાત તથા ગુન્હાહીત કાવતરાની કલમોનો ઉમેરો કર્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ નવેમ્બર ૨૪ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં દિવાળી પહેલા મુંબઈથી કુરિયર સર્વિસ મારફતે ઈંગ્લીશ દારૂ મંગાવવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું અને ૨૭ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. જે પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કુરિયર સર્વિસ ને ખોટી માહિતી આપી વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરૂં રચવા અંગેનો મામલો સામે આવ્યો હોવાથી બંને આરોપીઓ સામે જુદી જુદી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં ગત ૨૬.૧૦.૨૦૨૪ ના દિવસે હાપા વિસ્તારમાં દારુ અંગે દરોડો પાડી મુંબઈ થી કુરિયર સર્વિસ મારફતે પાર્સલમાં ગેરકાયદે રીતે ઇંગ્લીશ દારૂ મંગાવવા અંગેનું કારસ્તાન પકડી પાડ્યું હતું, અને દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ માં રહેતા હરીશ ચૌહાણ તેમજ રણજીત નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ઝાલા નામના બે શખ્સો ની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેઓ પાસેથી ૨૭ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
આ ગુન્હાની આગળની તપાસ ઉધોગનગર પોલીસ ચોકીના પી.એસ.આઈ. રવીરાજસિંહ ડી. ગોહિલ ચલાવી રહયા હતાં, અને આ પ્રકરણના આરોપીઓ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા હરીશ ચૌહાણ તથા રણજીત નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ઝાલા કે જે બંને આરોપીઓએ ગુજરાત બહારથી કુરીયર કંપની મારફતે પાર્સલ દ્વારા જે પાર્સલમા ઉપર સ્ટીકર ઇલેકટ્રીક ડીવાઇસનું હોય અને પાર્સલની અંદર ગુજરાતમા પ્રતીબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ ૨૭ જેની કુલ કિ.રૂ.૨૦,૯૦૦ ની ખોટા સરનામા આપી મંગાવ્યો હતો. આ મુદામાલ ગત તા. ૨૬.૧૦.૨૦૨૪ ના રોજ એલસીબી ની ટીમે જપ્ત કરી ઉપરોકત મુજબનો ગુન્હો દાખલ કરાવ્યો હતો.
જે ગુન્હાની ઉંડાણ પુર્વક તપાસ કરાવતાં તપાસ દરમ્યાન ઉપરોક્ત બન્ને આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરુ રચી કુરીયર કંપનીને વિશ્વાસમા લઇ ખોટા નામ-સરનામાના પાર્સલોમાં વિદેશી દારૂ જે ગુજરાતમાં પ્રતીબંધીત છે, તે મંગાવી તથા મોકલી ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલો હોવાનું સામે આવ્યું હતું. જે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉપરોક્ત ગુન્હામાં બી.એન.એસ. કલમ-૩૫૦(૧), ૩૧૬(૨), ૬૧ તથા પ્રોહીબીશન એકટ કલમ-૮૩ મુજબની કલમનો ઉમેરો કરાવવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બંને આરોપીઓ ની પોલીસ દ્વારા ધરપકડ કરીને અદાલત રજૂ કર્યા બાદ હાલ તેઓ બંને જેલવાસ ભોગવી રહ્યા છે.જે દારૂના કેસમાં નવી કલમો નો ઉમેરો થયો છે.