જામનગર નજીક ગઢવી યુવાનની હત્યાના ત્રણ આરોપીઓ રિમાન્ડ પર
દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૦ ડીસેમ્બર ૨૨ જામનગર તાલુકાના ગોરધનપર નજીક ગઢવી બંધુઓ ઉપર કરાયેલા જીવલેણ હુમલામાં એક યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હત્યાના બનાવ સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન ત્રણ શખ્સોની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
આ પ્રકરણમાં ગઢવી યુવાનની હત્યાના કારણે તેમના સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો અને સમાજના આગેવાનો અને લોકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સરમત પાટીયા પાસે રહેતા અને ખેતીકામ કરતા દેવદાસ ભાયાભાઈ રાજાણી નામનો યુવાન તેનો મોટોભાઈ ખીમરાજભાઈ અને ભરતભાઈ વગેરે ગત તા.1 ના રાત્રિના સુમારે ગોરધનપર પાટીયા પાસે આવેલી ઈંડાકળીની રેંકડીએ નાસ્તો કરવા ગયા ત્યારે અજાણ્યા શખ્સોએ જમવાના ઓર્ડર બાબતે બબાલ કરી હતી. દરમિયાન ઝપાઝપી થયા બાદ શખ્સોએ છરી વડે દેવદાસ, ખીમરાજ અને ભરતભાઈ પર તૂટી પડયા હતાં. જેમાં ખીમરાજનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બે વ્યકિતને ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવ અંગે પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે હત્યા, હત્યાની પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં હુમલો કરનાર દેવાંગ રામ ચાવડા, હિતેશ ચાવડા અને સાગર ચાવડાને પોલીસે પકડી પાડી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણેયને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. સિક્કા પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને અન્ય આરોપી અંગે જુદી જુદી દિશામાં તપાસ લંબાવવામાં આવી રહી છે.