જામનગર લાલપુર પાસે છકડો અને બાઈક વચ્ચે અકસ્માત : એકનો ભોગ લેવાયો

0
4403

લાલપુર નજીક હાઈવે રોડ પર રીક્ષા છકડા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનો ભોગ

  • બાઇક પાછળ બેઠેલા મૃતકના પિતરાઈ ભાઈ અને રીક્ષા છકડાના ચાલક બંનેને ઇજા : સારવારમાં ખસેડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ મે ૨ ૪ જામનગર જિલ્લાના લાલપુરમાં ગઈકાલે રાત્રે રીક્ષા છકડા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક લાલપુર તાલુકાના ધરમપુર ગામના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે. જયારે બાઈક ની પાછળ બેઠેલા તેના પિતરાઈ ભાઈ તેમજ રીક્ષા છકડા ચાલક બંને ઘાયલ થયા હોવાથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતો આશિષ કરમણભાઇ રાઠોડ નામનો ૨૪ વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે પોતાના બાઇકમાં ધરમપુર ગામમાં જ રહેતા પોતાના પિતરાઈ ભાઈ અમિત રાઠોડ (૨૫) ને બેસાડીને લાલપુર હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે ૧૦- ડબલ્યુ ૨૯૪૧ નંબરના રીક્ષા છકડા ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકના ચાલક આશિષ રાઠોડનું ગંભીર ઇજા થવાના કારણે બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે બાઈક ની પાછળ બેઠેલા તેના પિતરાઈ ભાઈ અમિત રાઠોડ તેમજ રીક્ષા છકડાના ચાલક જે બંનેને પણ ઇજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક આશિષ રાઠોડ ના પિતરાઈ ભાઈ રાહુલ મનજીભાઈ રાઠોડએ લાલપુર પોલીસને જાણ કરતાં લાલપુરના પી.એસ.આઇ. એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના એ.એમ. જાડેજા વગેરેને લઈને બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે માર્ગ પર પડેલો રીક્ષા છકડો કબ્જે કરી લઈ તેના ચાલક સામે અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.