જામનગર ના ગજણા ગામે દસમા ધોરણની વિદ્યાર્થીની નું અપહરણ

0
8443

લાલપુર તાલુકાના ગજણા ગામની દસમા ધોરણની વિદ્યાર્થીની નું અપહરણ થયાની ફરિયાદ

  • વિદ્યાર્થીની જે ઇકો કારમાં શાળાએ જતી હતી, તે ઇકો કારનો ચાલક સગીરાને ઉઠાવી ગયા ની ફરિયાદ થી ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ ફેબ્રુઆરી ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી દસમા ધોરણની એક વિદ્યાર્થીનીનું આજથી બે દિવસ પહેલાં તેણીના ઘેરથી અપહરણ થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. સગીરા લાલપુર અભ્યાસ કરવા માટે જે ઇકો કારમાં જતી હતી, તે ઇકો કારનો ચાલક અપહરણ કરી ગયો હોવાનું સગીરાના પિતા દ્વારા લાલપુર પોલીસ મથકમાં જાહેર કરાયું છે. જેને પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી અને દસમા ધોરણની એક સગીર વિદ્યાર્થીને કે જે ગત ૨૫ મી તારીખે પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી. જેની શોધખોળ કરાવતાં તેણી જે ઇકો કારમાં બેસીને લાલપુરની શાળામાં જતી હતી, તે ઇકો કારનો ચાલક બદકામ કરવાના ઇરાદાથી સગીરા જને ભગાડી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી આજે સવારે સગીરાના પિતા દ્વારા પોતાની ૧૬ વર્ષની વયની સગીર પુત્રીનું અપહરણ થઈ ગયું હોવાનું અને લાલપુર તાલુકાના ગજણા ગામમાં જ રહેતો અને ઇકો કાર ચલાવતો સમીર કારાભાઈ હમીરાણી નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

જેથી લાલપુર પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે, અને બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા મોબાઈલ ફોનના ટાવર લોકેશન ના આધારે તપાસ કરાવતાં અમદાવાદ-સુરત સુધીના લોકેશન મળ્યા હોવાથી આરોપી સગીરાને જામનગર થી અમદાવાદ- સુરત તરફ નસાડી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને પોલીસે તે દિશામાં તપાસ નો દોર લંબાવ્યો છે.

સગીરા અભ્યાસ કરવા માટે જે કારમાં જતી હતી, તે ઇકો કારના ચાલક સાથે થોડા દિવસો પહેલાં સગીરાના પિતા વાતચીતો અને હસી મજાક કરતાં જોઈ જતાં શંકા ગઈ હતી. જેથી છેલ્લા કેટલાક દિવસથી પોતે જ સગીરાને બાઈક પર લાલપુર સ્કૂલે મૂકવા જતા હતા. પરંતુ પરમદિને એકાએક સગીરા લાપતા બની હતી, ત્યારબાદ ઇકો કારના ચાલકની તપાસ કરાવતાં તે પણ ગુમ થઈ ગયો હોવાનું અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થયો હોવાનું અને ત્યારબાદ પોલીસ તપાસમાં અમદાવાદ-સુરત સુધીનું લોકેશન મળ્યું હોવાથી પોલીસ દ્વારા તેઓને શોધવા માટેની કવાયત શરૂ કરાઇ છે.