જામનગર માં સ્માર્ટ વીજ મીટરને લઈ ‘AAP’ મેદાને : ભારે વિરોધ

0
1483

જામનગર શહેરમાં સ્માર્ટ વિજ મીટર યોજના કેન્સલ કરવા બાબતે આમ આદમી પાર્ટી એ પણ આંદોલન શરૂ કર્યું

  • જામનગર શહેરના સ્માર્ટ મીટર ની યોજના કેન્સલ કરવા તેમજ ગરીબોને માસિક ૩૦૦ યુનિટ મફત વીજળી આપવા ‘આપ’ નું કલેકટરને આવેદન

  • લોકો કામ ધંધો મૂકી લાઇનમાં ઉભા રહેવા મજબુર બન્યાં

  • નાણાં- કનેકશન કપાઈ જવાની થોકબંધ ફરીયાદ : જન આંદોલનના એંધાણ.!!

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ મે ૨૪, જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા શરૂ કરાયેલા સ્માર્ટ વિજ મીટર ને કેન્સલ કરાવવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાને પડી છે, અને જન આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. શહેરમાં સ્માર્ટ મીટર કેન્સલ કરવાની સાથો સાથ ગરીબ લોકોને દર મહિને ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવા ની માંગણી સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર અપાયું છે. નજીકના ભવિષ્યમાં આ નિર્ણય પરત લેવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી શેરી મહોલ્લામાં જઈને ત્યાં આંદોલન કરશે,તેવી ચીમકી ઉચ્ચારી છે.

જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમ વગેરે દાખલ કરવામાં આવી રહી છે. જેથી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, અને આજે ‘આપ’ના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડની આગેવાની હેઠળ ‘આપ’ના કાર્યકર્તાઓ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીને સંબોધીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે, અને સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક ૩૦૦ યુનિટી ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે.

નજીકના ભવિષ્યમાં તંત્ર દ્વારા સ્માર્ટ મીટર યોજના પડતી મુકવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી શેરી ગલી મહોલ્લામાં જઈને લોકોની વચ્ચે સરકાર અને વીજળી કંપની સામે જન આંદોલન કરી લોકોને જાગૃત કરશે, તેમજ જે નાગરિકોના વીજ કંપનીઓ દ્વારા જૂના મીટર બંધ કરવામાં આવશે, તેઓને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓની ટીમ દ્વારા વિજ થાંભલા પરથી સીધું વીજ જોડાણ ચાલુ કરાવી આપશે. જેથી રિચાર્જ કરવાનું કે બિલ ભરવાનો કોઈ પ્રશ્ન નહીં રહે, તેમ જણાવી ફરી સ્માર્ટ મીટર યોજના પરત લેવા અનુરોધ કર્યો છે.