જામનગરમાં બાંધકામ અંગે બ્લેકમેઇલીંગ કરવાના આરોપી પત્રકારની ધરપકડ કરવા હાઇકોર્ટમાંથી મળ્યો સ્ટે.

0
697

જામનગરમાં બાંધકામ અંગે બ્લેકમેઇલીંગ કરવાના આરોપી પત્રકારની ધરપકડ કરવા હાઇકોર્ટમાંથી મળ્યો સ્ટે

બાંધકામના વિડિયો શુટીંગ પછી પૈસા માંગવાના કેસમાં આરોપીએ હાઈકોર્ટમાં કરી હતી અરજી: હાલ ધરપકડ નહીં થાય.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરના આ બ્લેકમેઇલીંગના આરોપસર કેસની વિગત મુજબ, જામનગરના નાનકપુરી વિસ્તાર પાસે પરેશ આત્મારામ લખીયર નામના આસામીના રહેણાંક મકાનના ચાલી રહેલા બાંધકામના સ્થળે ધસી આવેલા કેટલાંક વ્યક્તિઓએ પરેશ તથા તેના ભત્રીજાને આગળ બાંધકામ કરતાં પહેલાં રૃપિયા પાંચ લાખની માંગણી કર્યા પછી રકઝકના અંતે રૃપિયા દોઢ લાખની રકમ નક્કી કરી હતી. તે રકમ પરેશે નહીં આપતાં આ બાબતની ફરિયાદ કરતો નહીં. નહીંતર ટાંટિયા ભાંગી નાખીશ અને તારે જીવથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપવા અંગે ‘ગ્રેવિટી ન્યૂઝ’ નામના છાપાના પત્રકાર કપિલ અરવિંદભાઈ જોઈસર સામે પોલીસે આઈપીસી 385, 387, 506(2) હેઠળ ફરિયાદ નોંધી હતી.

આ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે આરોપી કપિલ જોઈસરે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની વિડિયો કોન્ફરન્સમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે, અગાઉ જામનગર એસપીને પરેશ લખીયરે અરજી કરી હતી.

જેમાં તેણે અન્ય બે વ્યકતિ દ્વારા આક્ષેપિત બાંધકામની ફોટોગ્રાફી અને વિડિયો શુટીંગમાં સાથે હતાં તેમ જણાવ્યું હતું. તે પછી ફરિયાદમાં આરોપી તરીકે માત્ર કપિલનું નામ જણાવ્યું હતું. તો અરજીથી ફરિયાદ સુધીમાં બે આરોપીઓને શા માટે બાદ કરી નાખવામાં આવ્યા છે?

તેની સામે ફરિયાદપક્ષના વકીલ તથા સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ બન્ને શખ્સ ફરિયાદ પક્ષના સાક્ષી છે, તેમના નિવેદન નોંધાયા છે. તેની સામે બચાવ પક્ષે દલીલ કરી હતી કે, જો બન્ને આરોપીના નિવેદન નોંધાયા હોય અને બન્ને પાસેથી  અન્ય ચેનલના ઓફિશિયલ કેમેરામાં કરાયેલું વિડિયો શુટીંગ તપાસનીસને મળી ગયું હોય તો અરજદાર (કપિલ જોઈસર)નું પણ તપાસનીસે નિવેદન લેવું જોઈએ. જ્યારે અરજદાર પોલીસ સમક્ષ હાજર થઈ ગુન્હાને લગત માહિતી આપવા અને મટિરિયલ રજૂ કરવા તૈયાર છે.

બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટએ બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી અરજદાર (કપિલ જોઈસર)ની ધરપકડ સામે ‘સ્ટે’નો આદેશ આપ્યો છે અને તપાસનીસને તેનું નિવેદન લઈ અદાલતને રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. આ કિસ્સાની છેલ્લી સુનાવણી આગામી તારીખ 13 પર રાખવામાં આવી છે.