જામનગરના વતની રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા

0
1422

રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા જામનગરના મહેમાન

  • ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું: ટાઉનહોલમાં યોજાયા ત્રિવિધ કાર્યક્રમ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૩ ફેબ્રુઆરી ૨૩ જામનગરના વતની અને બાર એસોસિએશનના સભ્ય સોનિયાબેન ગોકાણી ગુજરાત રાજ્યના ચીફ જસ્ટિસ બન્યા બાદ તેણીના વતન જામનગરમાં ગઇકાલે ટાઉનહોલમાં યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જામનગર બાર એસોસિએશન ડિસ્ટ્રીકટ અને સ્ટેટ લિગલ સર્વિસીસ ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે રવિવારે જામનગર શહેરના ટાઉનહોલ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી પધાર્યા હતાં. ચીફ જસ્ટિસ બન્યા બાદ વતનમાં પ્રથમ કાર્યક્રમમાં હાજરી આપી રહેલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો માટેની યોજનાનું લોન્ચીંગ તેમજ લિગલ સર્વિસની મિડીએશનની તાલિમ લીધેલા વડીલોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અરવિંદકુમાર અને એમ.આર. શાહ વર્ચ્યુઓલી જોડાયા હતાં અને પ્રાસંગિક ઉદ્બોધન સાથે યુવા વકીલોને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં શહેરના આંગણે પ્રથમ વખત હાઇકોર્ટના 9થી વધુ ન્યાયાધિશ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેર જિલ્લાના દિવ્યાંગ બાળકોને હાર્મોનિયમ, સ્માર્ટપેન ડિવાઇસ ભેટ આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઇ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના સિનિયર તેમજ જુનિયાર એડવોકેટસ, જિલ્લા સરકારી વકીલ જમનભાઇ ભંડેરી, સિનિયર એડવોકેટ એચ.ઓ. ભટ્ટ, બિપીનભાઇ ઝવેરી, મનોજભાઇ અનડકટ, બિમલભાઇ ચોટાઇ, જયેન્દ્રસિંહ ઝાલા, વિરલભાઇ રાચ્છ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.