કાલાવડ તાલુકાના ભાયૂ ખાખરીયા ગામમાં ખેતી કામ કરી રહેલી શ્રમિક મહિલાનું સર્પદંશ થી અપમૃત્યુ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ડિસેમ્બર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાયૂ ખાખરીયા ગામમાં રહેતી પર પ્રાંતીય શ્રમિક યુવતીને ખેતી કામ દરમિયાન ઝેરી સર્પ કરડી જતાં બેશુદ્ધ બન્યા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશની વતની અને હાલ કાલાવડ તાલુકાના ભાયૂ ખાખરીયા ગામમાં રહેતા અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી કમાબેન કમલેશભાઈ બારીયા નામની ૩૫ વર્ષની શ્રમિક યુવતી ગઈકાલે પોતાના પરિવાર સાથે વાડીમાં મરચી નીદવાનું કામ કરી રહી હતી, જે દરમિયાન તેણીને એકાએક ઝેરી સર્પ કરડી જતાં બેશુદ્ધ બની હતી, અને તેણીને સારવાર માટે કાલાવડ ની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં તેણીનો મૃતદેહ જ પહોંચ્યો હતો.આ બનાવ અંગે મૃતકના પતિ કમલેશભાઈ બદીયાભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.