જામનગરમાં જોગર્સ પાર્ક પાસે મંડપ ઊભો કરી રહેલા શ્રમિકને વીજ આંચકો ભરખી ગયો

0
1845

જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં મંડપ ઊભો કરી રહેલા શ્રમિક યુવાનને વીજ આંચકો ભરખી ગયો

  • ઉપરથી પસાર થતા વિજ તારમાંથી એકાએક વીજ આંચકો લાગતાં નીચે પટકાઈ પડ્યા પછી કરૂણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ડીસેમ્બર ૨૩ જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં શનિવારે રાતે મંડપ ઊભો કરવાનું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન મંડપ સર્વિસ ના એક કર્મચારીને ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી એકાએક વિજશોક લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડતાં તેનું મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ જામનગરમાં ખંભાળિયા નાકા બહાર દ્વારકાપૂરી વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતા કિરીટભાઈ લક્ષ્મણભાઈ પટેલ કે જેની સાથે મંડપનું કામ કરનારા મૂળ પંચમહાલ જિલ્લાના જસવંત રંગતભાઈ બારીયા (ઉંમર વર્ષ ૨૭) કે જેના દ્વારા એક એપાર્ટમેન્ટ પાસે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો, અને લોખંડનું ટ્રસ્ટ ઊભું કરાયા પછી તેનો કર્મચારી ઉપર ચડીને કામ કરવા જતાં બાજુમાંથી જ પસાર થતી વીજ લાઈનમાંથી તેને વિજઆંચકો લાગ્યો હતો.જેથી તે નીચે પટકાઈ પડ્યા પછી લોહીલૂહાણ થઈને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે કિરીટભાઈ પટેલે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. કે. વાઘેલાએ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માત બાદ જોગર્સ પાર્ક આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેની જાણ થતાં સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના વીજ કર્મચારીઓની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને વિજલાઈન પાસેના મંડપને દૂર કરાવ્યો હતો, જયારે શોર્ટ સર્કિટના કારણે વીજ લાઈન ટ્રીપ થઈ ગઇ હોવાથી વિજ પુરવઠાને પૂર્વવત બનાવ્યો હતો.