જામનગરમાં કાલાવડના નાકા બહાર સાત ઘાસચારા ના વાડા પર જામ્યુકો નું બુલડોઝર ફેરવાયું

0
1

જામનગર ના શહેરી વિસ્તારમાં ઘાસચારો પહોંચાડવા માટે કાલાવડ નાકા બહાર ખડકી દેવાયેલા સાત ઘાસચારા ના વાડા પર જામ્યુકો નું બુલડોઝર ફેરવાયું

  • ભારે પોલીસ બન્દોબસ્ત સાથે મનપાની બે ટુકડી દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરી તમામ સાત વાડાઓ દૂર કર્યા

  • ચાર મોટી ટ્રેક્ટર ટ્રોલીમાં ૨૦૦ મણ જેટલું ઘાસ કબજે કરી લઇ મહાનગર પાલિકા સંચાલિત ઢોરવાડામાં પહોંચાડાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ માર્ચ ૨૫, જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસ ચારાનો વેચાણ કરવામાં આવે છે, અને તેમાંય ખાસ કરીને કાલાવડ નાકા બહાર નદીને દબાવીને ત્યાં કેટલાક ઘાસ વિક્રેતાઓ દ્વારા મોટા પાયે દબાણ સર્જીને ઘાસના વાડાઓ ઊભા કરી દેવાયા હોવાથી તે આશરે ૩૦ હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવા માટે આજે સવારે મહાનગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ સોલિડ વેસ્ટ શાખાની બંને ટીમોના આશરે ૪૦ જેટલા કર્મચારીઓની મદદથી વહેલી સવારે ૮.૩૦ વાગ્યાથી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે સિટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડા સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.ઉપરોક્ત સ્થળે અલગ અલગ સાત જેટલા ઘાસના વાડા ખડકી દેવાયા હતા, જેના પતરા, સેડ, ફેન્સીંગ સહિતનું તમામ દબાણ દૂર કરી લેવાયું હતું. અને આશરે ૩૦,૦૦૦ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. ઉપરોક્ત સ્થળે વેચાણ માટે મૂકવામાં આવેલું આશરે ૨૦૦ મણ જેટલું ઘાસ, કે જે મહાનગરપાલિકાની અલગ અલગ ચાર મોટી ટ્રોલીમાં જમા કરી લેવાયું હતું, અને તમામ ઘાસને મહાનગરપાલિકા સંચાલીત ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.જામનગર શહેરને રસ્તે રઝળતા પશુઓથી મુક્ત કરાવવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરની મધ્યમાં પણ કેટલાક ઘાસના વિક્રેતાઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઘાસનું વેચાણ કરે છે, તે મુજબ જામનગરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષની સામે તેમ જ પંચેશ્વર ટાવર નજીક ગૌરીશંકર મહાદેવના મંદિરની સામેના ભાગમાં બે ઘાસના વિક્રેતાઓને ત્યાં પણ મહાનગરપાલિકાની ટુકડી ત્રાટકી હતી, અને ત્યાં હાજર રહેલો ઘાસનો જથ્થો કબજે કરી લઇ બંને સ્થળો પરથી જાહેરમાં ઘાસનું વેચાણ બંધ કરાવી દેવામાં આવ્યું છે.