જામનગરની 7 ઘરફોડ સહિત 23ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ: 9.22 લાખ સાથે બેલડી જબ્બે

0
2634

જામનગર સહિત અનેક શહેરોમાં ચોરીનો તરખાટ મચાવના બે સગા ભાઇને ઝડપી લેતી જામનગર એલસીબી

  • જામનગરમાં 7 ચોરી કરનાર બે સગા ભાઈ અંતે ઝડપાયા
  • એક બાઇક અને રૂા.9 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો
  • બંને આરોપીઓએ રાજકોટમાં 16 ચોરીની કબૂલાત આપી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૯ નવેમ્બર ૨૨ જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં તસ્કરોએ મચાવેલા હાહાકાર વચ્ચે જામનગર એલસીબીએ 2 શખસને પકડી પાડી 7 ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરી કરનાર બંને શખસોએ રાજકોટમાં પણ 16 ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે બંને શખસ પાસેથી ચોરીના રૂા.9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ રીકવર કર્યો છે.પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસથી ચોરોએ હાહાકાર મચાવી મૂક્યો છે. 7-8 જેટલી ચોરીઓથી પોલીસની નીંદર ઉડી ગઈ હતી.

દરમિયાન એલસીબીને મળેલી બાતમી પરથી ખોડિયાર કોલોની મેર સમાજની વાડી પાસેથી અર્જુન રાહુલભાઈ ભાટ અને બાદલ રાહુલભાઈ ભાટ નામના બે ભાઈઓને ચોરાઉ હોન્ડા સાથે પકડી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા તેમણે જામનગર શહેરમાં 7 ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે બંને શખસો પાસેથી સોનાના દાગીના, ચાંદીના સિક્કા, ગિન્ની, બિસ્કિટ, રોકડ રૂપિયા, મોટરસાયકલ, ઈમીટેશન જવલરી, અલગ અલગ ફોર વ્હીલર તથા બાઈક, ઘરની ચાવીઓ, યામાહા મોટરસાયકલ, નેપાળ, યુએસ અને ઈંગ્લેન્ડના વિદેશી ચલણ તેમજ હથોડી, વાંદળી પાનુ, ડીસમીસ, ગણેશીયા, ઈલે. બોર્ડ વગેરે સામાન પણ મળી આવ્યો હતો. પોલીસે બંનેની અટક કરી તેમને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

પકડાયેલા બંને શખસો દિવસ દરમિયાન ફુગ્ગા વેચતા અને બંધ ઘર પર નજર રાખતા હતા અને રાત્રે તે મકાનને નિશાન બનાવીને તેમાં ખાતર પાડતા હતા. આ શખસોએ આવી જ રીતે અમરેલી, ગારીયાધાર, લાઠી, જુનાગઢ, માણાવદર, આટકોટમાં પણ ચોરીઓ કરી હોવાનું જાણવા મળે છે.

જામનગર ગુનાશોધક શાખાના સકંજામાં સપડાયેલા બંને આરોપીઓએ રાજકોટમાં પણ જુદા જુદા સ્થળોએ ઘરફોડી આચરીને હાહાકાર મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. તેઓએ રાજકોટના સંતકબીર રોડ, અંકુર મેઇન રોડ, નાના મહુવા, કોઠારીયા સોલવન્ટ, હરિદ્વાર સોસાયટી વિસ્તારમાં ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે.