જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરીષદ યોજી

0
789

જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. સૌરભ પારધી દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ

  • તા.૧ ડિસેમ્બરના રોજ જિલ્લાના ૫ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ ૧૨૮૭ મતદાનમથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ નવેમ્બર ૨૨, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બે તબ્બકામાં તા.૧ અને તા.૫ ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. સૌરભ પારઘીએ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં આજથી આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

તા.૧ ડિસેમ્બરના રોજ જિલ્લાની ૫ વિધાનસભા બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવશે. આચારસંહિતાના અમલ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર તેમજ જામનગર મહાનગરપાલિકાના વિસ્તાર માટે નાયબ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કુલ ૧૨,૦૬,૯૧૦ મતદારો છે. જે પૈકી ૬,૧૮,૫૭૨ પુરુષ તથા ૫,૮૮,૩૨૩ સ્ત્રી મતદારો અને અન્ય મતદારોની સંખ્યા ૧૫ છે. જામનગર જિલ્લાના ૫ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ ૧૨૮૭ મતદાન મથકો મંજૂર થયેલ છે. જેમાં ૭૬-કાલાવડ મતદાર વિધાનસભા મતદાન મથક માટે ૩૦૦ મતદાન મથકો, ૭૭-જામનગર (ગ્રામ્ય) માટે ૨૭૯ મથકો, ૭૮-જામનગર (ઉત્તર) માટે ૨૩૦ મથકો, ૭૯-જામનગર (દક્ષિણ) માટે ૧૯૭ મથકો તેમજ ૮૦-જામજોધપુર માટે ૨૮૧ મતદાન મથકો મંજૂર કરવામાં આવ્યા છે.

જિલ્લાના પ્રત્યેક મતદાર વિભાગો ખાતે ૭ સખી મતદાનમથકો, ૧ પીડબલ્યુડી મતદાનમથક, ૧ મોડેલ મતદાન મથક, ૧-ઇકોફ્રેન્ડલી મતદાન મથક અને ૧ યુવા અધિકારીશ્રી દ્વારા સંચાલિત મતદાન મથક રાખવામાં આવેલ છે. તેમજ ૫૦% મતદાન મથકો ખાતે વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. મતગણતરી તા.૮ ડિસેમ્બરના રોજ હરિયા કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે.

રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ વિવિધ મંજૂરીઓ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં જવું ન પડે અને એક જ સ્થળેથી જરૂરી પરવાનગી મેળવી શકે તે માટે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે નોડલ અધિકારીની નિમણૂક કરી સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે. જામનગર જિલ્લાના લોકો મતદારયાદીમાં તેમનું નામ સામેલ છે કે કેમ અને કયા મતદાન મથકે મતદાન કરવા જવાનું છે તેની જાણકારી મેળવી શકે તે હેતુથી ચૂંટણી શાખામાં હેલ્પલાઈન ૧૯૫૦ શરૂ કરવામાં આવેલ છે. ચૂંટણી સબંધિત ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવાં આવ્યો છે. જેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૬૮૧ પર ચૂંટણીને લગતી ફરિયાદો લેવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ દરમિયાન મતદારો, ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને વિવિધ જાણકારી અને ફરિયાદોનો નિકાલ થઈ શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ ઓનલાઈન એપ્લિકેશનો જેવી કે સી-વિજિલ, વોટર હેલ્પલાઈન, વોટર પોર્ટલ જેવી એપ્લિકેશનો ડેવલપ કરવામાં આવી છે. તા.૧૦ ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.