જામનગર શહેર ભાજપમાં ઉકળતો ચરૂ..? કોર્પોરેટર બાદ ડે.મેયરએ લખ્યો કમિશ્નરને પત્ર
- વોર્ડ નં.11ના કોર્પોરેટર અને જામ્યુકોના ડે.મેયર તપન પરમારે ભુગર્ભ ગટરના નબળા કામ અંગે મ્યુનિશિપલ કમિશ્નરને ઉગ્ર પત્ર લખતા ફરી રાજકારણ ગરમાયુ….
- ગટરના કામ અને ગટરની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ હોવાનો પત્રમાં ઉલ્લેખ..
- તાજેતરમાં વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશ કગથરાએ પણ સ્વખર્ચે ગટર બનાવવાની મંજુરી માંગતો લખ્યો હતો પત્ર.
- જામનગર શહેરમાં ભૂગર્ભના કામમાં કોણે ભેજુ માર્યું છે તે સૌવ કોઈ જાણે છે..: ડે.મેયર તપન પરમાર
- ભૂગર્ભ ગટરની સમસ્યાનો એક વર્ષ પહેલાનો વિડીઓ રજુ કરાયો.
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૧૩ ઓક્ટોબર ૨૨ જામનગર શહેર ભાજપમાં જાણે ઉકળતો ચરૂ હોય તેવો હાલ માહોલ સર્જાઇ રહ્યો છે, હજુ તાજેતરમાં જ વોર્ડ નં.9 ના નગરસેવક નિલેશભાઇ કગથરાએ પોતાના વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ગટરની માંગણીનો નિકાલ નહીં આવતા અને આ વિસ્તારના ધાર્મિક સ્થળોએ ગંદકી ફેલાતી અટકાવવા માટે તેઓએ પોતાને ખર્ચે ગટર બનાવવાની મંજુરી માંગતો એક પત્ર મ્યુનિ. કમિશ્ર્નરેને લખ્યો હતો તે વાતને હજુ વીરામ આવ્યો નથી ત્યાં જામનગર વોર્ડ નં.11ના નગરસેવક અને ડે.મેયર તપનભાઇ પરમારે પોતાના વોર્ડમાં ચાલી રહેલા ભુગર્ભ ગટરનું કામ અત્યંત નબળુ હોવાની ફરિયાદ દર્શાવતો એક પત્ર મ્યુનિ. કમિશ્નર વિજય ખરાડીને લખ્યો છે. આ પત્રની વાત બહાર આવતા ફરી એક વખત શહેરના રાજકારણમાં ગરમાવા સાથે છાને ખુણે ખુસર-ફુસર થઇ ગઇ છે.જામનનગર મહાનગર પાલિકાના મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં ડે. મેયર તપનભાઇ પરમારે જણાવ્યા અનુસાર તેઓએ છેલ્લા અનેક સમયથી તેમના વિસ્તારમાં જુદાજુદા પત્રથી ભુગર્ભ ગટરની સાફ સફાઇ અંગે મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરેલ હોય પરંતુ આજ દિન સુધી તેઓની સમસ્યાનું નિરાકરણ આવેલ નથી કે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી.
વધુમાં તેઓએ લખ્યું છે કે, જામનગરના વોર્ડ નં. 11માં ડી.આર. અગ્રવાલ દ્વારા ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે આ કામ અંગે પુર્વ ચેરમેન જસરાજભાઇ પરમારે પણ અનેક વખત ફરીયાદો કરી છે તેમજ તે વખતના મેયર તેમજ વિરોધપક્ષ દ્વારા કામની નબળી ગુણવતા બાબતે રોજકામ પણ કરાવેલ છે.આ કામમાં ગેપ પીસી પણ મુકવામા આવેલ નથી અને અનેક રજુઆત કરવા છતા પણ નબળી ગુણવતાવાળુ કામ સુધારાયુ નથી, ભુગર્ભ ગટરના ગંદા પાણીના નીકાલ અંગે હજુ સુધી કોઇપણ કાર્યવાહી લગત શાખા દ્વારા કરવામાં આવેલ ન હોય આ અંગે અનેક વખત સ્ટેન્ડીગ કમિટિમાંં પણ ભુગર્ભ ગટરની ફરીયાદ બાબતે કોઇપણ જાતની ખાતા દ્વારા સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી.વોર્ડ નં. 11 માં અલગ અલગ વિસ્તારોમાં પોતાના શૌચાલયમાં લોકો શોચક્રીયા કરી શકતા નથી આ અંગે અનેક વખત રજુઆત કરી છે તેમજ વોટસએપ ઉપર પણ જાણ કરી છે પરંતુ આ અંગે કોઇ ગંભીરતા લેવામા આવતી નથી તાત્કાલીક અસરથી અમારા પ્રશ્ર્નનો દસ દિવસની અંદર નિકાલ કરવા તેમજ જવાબદારો સામે શિક્ષાત્મક પગલા લેવા પત્રમાં માગણી કરી છે.