કોંગ્રેસના ગુજરાત બંધના એલાનને જામનગર સહિત રાજયભરમાં મિશ્ર પ્રતિસાદ

0
1976

કોંગ્રેસના ગુજરાત બંધના એલાનને જામનગર સહિત રાજયભરમાં મિશ્ર પ્રતિસાદ

  • પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતે દુકાનો બંધ કરાવવા નીકળ્યા
  • રાજ્યના અનેક શહેરમાં કોંગી કાર્યકર્તાઓની અટકાયત
  • મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ બની આક્રમક
  • ક્યાંક બંધની અસર દેખાઇ તો ક્યાંક નહિવત અસર દેખાઇ
  • જામનગરમાં ધારાસભ્ય વિક્રમ માડમની પોલીસ સાથે રકઝક, અટકાયત
  • સિક્કામાં કોંગ્રેસી આગેવાન-કાર્યકર્તાઓની અટકાયત

દેશ દેવી ન્યુઝ તારીખ 10 સપ્ટેમ્બર 22 જામનગર: ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજ તા. 10ના સવારે 8 થી 12 સુધી ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો, ખાનગી શાળાઓ વગેરેને પણ જોડાણા હતાં. જામનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) દ્વારા અપીલ કરવામાં આવી હતી.આજે જામનગર જી.જી.હોસ્પિટલ નજીક ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓએ વેપારીઓને બંધ પાળવા અપીલ કરતા હોય દરમ્યાન પોલીસ સાથે તેઓની રકઝક થઇ હતી અને વિક્રમ માડમ સહિતનાઓની અટકાયત કરવામાં આવી હતી.જામનગર શહેરમાં આવેલ દરબાગઢ વિસ્તાર, બર્ધન ચોક વિસ્તાર, માંડવી ટાવર વિસ્તાર, સિંધી માર્કેટ, પાંચ હાટડી વિસ્તાર, કાલાવડ નાકા બહાર આવેલ વિસ્તારના તમામ રોજગાર તથા દુકાનો બંધ રાખી લોકોએ સમર્થન આપ્યું હતું.આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તેમજ વોર્ડ નં.12 ના કોર્પોરેટર અસલમભાઇ ખીલજી, કોર્પોરેટર અલ્તાફભાઇ ખફી, કોર્પોરેટર જેનબબેન ખફી સહિતના કોંગ્રેસી નેતા-આગેવાનો અને કાર્યકર્તા જોડાયા હતા.દરમ્યાન જામનગર પંથકના સિક્કા ગામમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ તકે સિક્કા સજ્જડ બંધ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે આજે સવારના 8 થી 12 વાગ્યા સુધી આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. ત્યારે ક્યાંક-ક્યાંક બંધની અસર જોવા મળી રહી છે તો ક્યાંક-ક્યાંક બંધની નહિવત અસર જોવા મળી રહી છે. ત્યારે અહીં જોઇશું કે ગુજરાત બંધના એલાનની સમગ્ર રાજ્યમાં હાલ કેવી અસર જોવા મળી રહી છે.મહત્વનું છે કે, ગઇકાલે સ્વયં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે લોકોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. ત્યારે આજે સુરતમાં કોંગીઓ અનોખો વિરોધ કરી રહ્યાં છે. બંધને સફળ બનાવવા કોંગીઓએ વેપારીઓને ગુલાબ આપી બંધ જોડાવવા અપીલ કરી છે.નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે ધીરે-ધીરે આગળ વધી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે રાજ્ય સરકારને ઘેરવા આજે સમગ્ર રાજ્યમાં ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિએશનને મળીને વિનંતી કરી હતી. ત્યારે આજે રાજ્યમાં ઠેર-ઠેર કોંગી નેતાઓ વેપારીઓને દુકાનો બંધ રાખવાની અપીલ કરી રહ્યાં છે.