જામજોધપુરના બમથીયા ગામમાં ‘યે ઇશ્ક નહીં આસાન’ જેવી સ્ટોરી: 9 સામે માર માર્યાંની રાવ

0
3205

જામજોધપુરના બમથીયામાં ‘યે ઇશ્ક નહીં આસાન’ જેવી સ્ટોરી

  • બે પ્રેમીના લગ્ન પરિવારને મંજુર ન હોય,પ્રેમિકાના પરિવારના નવ શખ્સોએ પ્રેમીના ભાઈ અને પિતાનું અપહરણ કરી ઢોરમાર માર્યો
  • પંચકોશી એ. ડિવિઝન નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ નવની ધરપકડ
  • હુમલામાં વપરાયેલા લાકડાના ધોકા, પ્લાસ્ટિકના પાઇપ, એક બોલેરો કાર, તથા અન્ય એક કાર વગેરે કબજે કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર: ૩૦ જુલાઇ ૨૨ જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતી એક યુવતી નું ગત 21 તારીખે અપહરણ થઈ ગયું હતું અને તેણીને મનોજ દિલીપભાઈ ખરા નામનો યુવાન લગ્ન કરવાના ઈરાદાથી લઈ ગયો હતો. અને બંને પુખ્ત વયના હોવાથી તેઓએ લગ્ન પણ કરી લીધા હતા. જે લગ્ન સંબંધ પ્રેમિકાના પરિવારને પસંદ ન હોવાથી પ્રેમિકા ના મામા લલોઈ ગામના મુકેશ વાલાભાઈ ખરા તથા તેના અન્ય મળતીયાઓ વગેરે 24મી તારીખે જામનગર તાલુકાના બાવરીયા ગામમાં આવીને પ્રેમી યુવાન મનોજના ભાઈ સાગર દિલીપભાઈ ખરા તથા તેના પિતા દિલીપભાઈ ખરાને દરેડ જી.આઈ.ડી.સી. માં બોલાવ્યા પછી તેઓને એક બોલેરો અને એક કારમાં અપહરણ કરીને લઈ જવાયા હતા, અને રાજકોટ જિલ્લાના માખીયાળા ગામના વતની દીલા ખીમાભાઇ બગડા કે જે ખેતી કામ કરે છે, તેની વાડીએ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પિતા પુત્રને ઝાડ સાથે બાંધીને લાકડી તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત સાગર ના બહેન બનેવી કે જેઓ પણ નજીકમાં રહેતા હોવાથી તેઓને ફોન કરીને વાડીએ બોલાવી લીધા હતા. જ્યાં અપહરણનું વેર વાળવાના ભાગરૂપે દિલા ખીમા બગડાએ અપહરણ કરી જનારી યુવાની બહેનને ધરાર એક રૂમમાં ઢસડી જઇ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.આખરે ગઈકાલે સમગ્ર મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ સમક્ષ પહોંચ્યો હતો, અને પોલીસે સાગર ખરાની ફરિયાદ ના આધારે આઇપીસી કલમ 365, 342, 323, 504, 143,147,148 તેમજ જી.પી.એક્ટ કલમ 135- 1 મુજબ ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં સાગરના અને તેના પિતાના અપહરણ અને મારકુટના ગુનામાં મુખ્ય સૂત્રધાર એવા પ્રેમિકાના મામા મુકેશ વાલાભાઈ ખરા, ઉપરાંત વિક્રમ બગડા, વિરમ પાલા બગડા, દેવા ગોવા બગડા,દિલા ખીમા બગડા, જમન પાલા ખરા, ધનસુખ મેઘા ખરા, પ્રવિણ ગાંગા તેમજ વિક્રમનો મિત્ર ભોલાભાઈ વગેરે ની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી હુમલામાં વપરાયેલા લાકડાના ધોકા, પ્લાસ્ટિકના પાઇપ, એક બોલેરો કાર, તથા અન્ય એક કાર વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.આ ઉપરાંત દિલા ખીમા બગડા એ દુષ્કર્મ ગુજાયું હોવાથી તેની સામે કલમ 376 નો ઉમેરો કરાયો છે. જે મહિલાની પણ તબીબી ચકાસણી કરી લેવામાં આવી છે. જે તમામ આરોપીઓની અટકાયત કરી લીધા પછી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.