ફાયર NOC ના મુદ્દે ગુજરાતમાં પહેલીવાર ખાનગી હોસ્પિટલની ઇમરજન્સી સેવા બંધ રહેશે

0
832

જામનગર જિલ્લામાં આગામી શુકવારે ખાનગી હોસ્પિટલોના તમામ તબીબો ફાયર NOCના મુદ્દે હડતાલ પર ઉતરશે

ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર પણ નહીં મળે: જોકે સરકારી હોસ્પિટલ ચાલુ રહેશે

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જુલાઈ ૨૨ જામનગર: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા આઈ.સી.યૂ ના ફાયર એન.ઓ.સી. ના સરકારના નવા નિયમોને લઈને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે આગામી શુક્રવારે જામનગર શહેરની 400 થી વધુ તેમજ જિલ્લા ભરની 700 ખાનગી હોસ્પિટલોના તબીબો હડતાલમાં જોડાશે, અને એક દિવસ માટે હોસ્પિટલોમાં તમામ પ્રકારની સારવાર બંધ રહેશે. રાજ્યમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રહેશે. જોકે ટ્રસ્ટના સંચાલન હેઠળ ની હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં સારવાર મળી રહેશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા એલાન કરાયા મુજબ આગામી તા.22 જુલાઈને શુક્રવારના રોજ રાજ્યભરના તમામ પ્રાઇવેટ ડોકટરો હડતાળ પાડશે. ખાનગી હોસ્પિટલમાં ઓ.પી.ડી. તથા ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે.

ફાયર એન.ઓ.સી.,આઈ.સી.યુ. માટેના નિયમો સહિત સરકારના અલગ – અલગ આદેશના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો. (ગુજરાત) દ્વારા આ એક દિવસની હડતાળની જાહેરાત કરાઈ છે. જેમાં જામનગર શહેરની 400 થી વધુ હોસ્પિટલો તેમજ જિલ્લા ભરની 700 થી વધુ ખાનગી હોસ્પિટલ ના તબીબો જોડાશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર બ્રાન્ચ ના પ્રેસિડેન્ટ ડો. રાજેશ ગોંડલીયા તેમજ સેક્રેટરી ડો. દિનકર સાવરીયા દ્વારા જણાવાયું છે. જામનગર શહેરમાં 20 જેટલી આઈ.સી.યૂ. ની સુવિધા વાળી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રહેશે. જોકે દર્દીઓ સરકારી અથવા ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.