જામનગર પોલીસ હેડ કવાર્ટરમાંથી ડીટેઈન થયેલ બાઇકની ચોરી: ખુદ ટ્રાફિક પોલીસે પોલીસ ફરિયાદ નોંધાવવી પડી
દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગર શહેરના ટ્રાફિક શાખાના તાબામાં આવેલી પોલીસ હેડ કવાર્ટરની અંદર રહેલા ટોઈંગ સ્ટેશન કે જેમાં ડીટેઈન કરેલા વાહનો રાખવામાં આવે છે તેમાંથી કોઈ શખસ એક્ટિવા મોટરસાયકલ ચોરી જતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે પણ આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.જામનગર શહેરના શરૂ સેક્શન રોડ હેડ કવાર્ટરમાં આવેલા ટોઈંગ સ્ટેશનમાં જીજે-10-સીએફ 8005 નંબરનું એક્ટિવા ગત તા.22ના રોજ ડીટેઈન કરીને રાખવામાં આવ્યું હતું જે પાંચ દિવસ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને આ અંગે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે અજાણ્યા શખસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેની તપાસ સિટી-બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
હેડ કવાર્ટર જેવા અત્યંત ચોકસીવાળા વિસ્તારમાંથી વાહન ચોરી અને તે પણ ડીટેઈન કરેલું વાહન ચોરાઈ જતાં ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક વાહનચોરને પકડી પાડવાના આદેશો છૂટ્યા હોવાનું જાણવા મળે છે.