જામનગરના સોની વેપારી સાથે નવતર છેતરપીંડી: 2 સુમરા શખ્સોએ 8 લાખનું બુચ માર્યું

0
3903

જામનગરના સોની વેપારી સાથે નવતર છેતરપીંડી: બે શખ્સોએ રૂા. આઠ લાખની રકમનું બુચ માર્યું

ખાનગી ફાઈનાન્સ કંપનીમાં ઊંચા વ્યાજે પડેલું સોનું છોડાવવા માટે સોની વેપારીને શીશામાં ઉતારવા આચરી  છેતરપીંડી

આરોપીએ ઇકબાલ ખીરાએ અગાઉ ટ્રાફિક પોલીસને ગાળો ભાડતો વિડીયો વાઈરલ કર્યાં હતો તેમાં પણ તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

દેશ દેવી ન્યુઝ જામનગર O2. જામનગરના એક સોની વેપારી સાથે બે શખસો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોવાનું અને રૂપિયા 8 લાખની રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. ફાઈનાન્સ કંપનીમાં ગીરવે મૂકેલું સોનું છોડાવવાના બહાને પાંચ લાખની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાથી સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. આ નવતર પ્રકારની છેતરપિંડીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ભંગાર બજાર રોડ પર આકાશ ગંગા કોમ્પ્લેક્સ માં રહેતા અને ચાંદી બજારમાં મયુર જવેલર્સ નામની સોના- ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતા કિરીટભાઈ મહેન્દ્રભાઈ રાધનપુરાએ પોતાની સાથે રૂપિયા આઠ લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં રહેતા ઈકબાલ ઇબ્રાહીમભાઇ ખીરા અને વસીમભાઈ ખીરા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ પૂછપરછમાં જાહેર કરાયા અનુસાર સોની વેપારી કિરીટભાઈ રાધનપુરા પાસે આજથી એકાદ માસ પહેલા 3.3.2022 ના દિવસે આરોપી ઈકબાલ ઈબ્રાહીમ ખીરા જામનગરના જ વચેટિયા વસીમભાઈ ખીરા સાથે દુકાને પહોંચ્યો હતો, અને ખાનગી ફાઇનાન્સ કંપની માં પોતાનું અંદાજે સાડા દસ લાખ રૂપિયાની કિંમતનું સોનુ ગીરવે મુકેલું છે, જેનું ઊંચું વ્યાજ ભરી ને પોતે થાકી ગયો છે, અને સોનુ છોડાવીને વેચી નાખવું છે, તેમ કહી સોની વેપારીને સાણસામાં લીધા હતા. તેના માટે આઠ લાખ રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટેનું જણાવ્યું હતું. જેથી સોની વેપારી આઠ લાખની રકમ લઈને બંને આરોપીઓ સાથે અંબર ચોકડી નજીક આવેલી ખાનગી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે ગયા હતા, અને આરોપીના ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હતા.ત્યાર પછી લિમડાલેનમાં આવેલી ફાઇનાન્સ કંપની ની પેઢીમાં સોનુ છોડાવવા જવા માટે નું કહીને બંને આરોપીઓ પોતાના સ્કૂટરમાં રફુચક્કર થઈ ગયા હતા. સોની વેપારી દ્વારા બંનેની શોધખોળ શરૂ કરાઇ હતી, અને તેઓના ઘરે પણ પહોંચ્યા હતા. પરંતુ આરોપી ઇકબાલ ની પત્નીએ ઘરમાંથી પણ જાકારો આપી દીધો હતો. આખરે સમગ્ર મામલો સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, સાથો સાથ સાઇબર ક્રાઈમ સેલ ને પણ જાણ કરવામાં આવી હતી જેથી સાઇબર ક્રાઇમ સેલના પી.આઈ. પી.પી.ઝા તેમજ સીટી-એ ડિવિઝનના પી.આઈ. મહાવીરસિંહ.જે જલુ વગેરેએ તાત્કાલિક અસરથી ખાતું ફ્રીઝ કરાવી દઇ આઠ લાખ રૂપિયાની રકમ સ્થગિત કરાવી દીધી હતી. જેથી આરોપી તે રકમ ઉપાડી શક્યો નથી.

આ સમગ્ર મામલે આખરે ગઇકાલે મોડી સાંજે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીને ફસાવવાના ભાગરૂપે આ કારસ્તાન રચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આરોપી ઇકબાલ ખીરા દ્વારા 29 મી ફેબ્રુઆરીના દિવસે આ જ રીતે જામનગરના અન્ય એક સોની વેપારી નીલેશભાઈ સાથે પણ રૂપિયા બે લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું અને તે રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. જે મામલો પણ સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે.

આથી સીટી-એ ના પોલીસ ઈન્સપેક્ટર મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણીએ કિરીટભાઈ રાધનપુરાની ફરિયાદ પરથી આરોપી ઇકબાલ ખીરા અને વસીમ ખીરા વિરૂદ્ધ ઇ.પી.કો કલમ -૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગૂનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઈકબાલ ખેરાએ અગાઉ ટ્રાફિક પોલીસને ગાળો ભાંડતો વિડીયો ઉતારી ધમાચકડી બોલાવી હતી.