આખરે….વિભાજી સરકારી શાળાનું સીલ ખોલતી ફાયર શાખા
યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ ના આંદોલનને સફળતા મળતા આતીશબાજી
દેશ દેવી ન્યુઝ જામનગર 22. શહેરની વિભાજી સરકારી શાળામાં ફાયર સેફટીના અભાવે ફાયર વિભાગ દ્વારા શાળામાં સીલ મારવામાં આવ્યું હતું. જે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ ના આંદોલન અને રજૂઆતો બાદ ફાયર વિભાગ દ્વારા સીલ ખોલવામાં આવતાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી, મ્યુ. કમિશનર અને ચીફ ફાયર ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિભાજી સ્કૂલ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
જામનગરમાં આવેલ વિભાજી સરકારી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનોની ગ્રાન્ટ ફાળવવામાં ન આવતાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય, ફાયર શાખા દ્વારા શાળાને સીલ કરવામાં આવી હતી. સરકારી તંત્રની ભૂલનો ભોગ શાળાના વિદ્યાર્થીઓ બનતાં આ અંગે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ફાયર વિભાગને રજૂઆત કરી સીલ ખોલવા માગણી કરી હતી.શાળા સીલ થતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇની લેખિત રજૂઆત છતાં સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતાં ફાયર ઓફિસમાં ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.