બ્રુકબોન્ડની આત્મહત્યા પ્રકરણમાં અંતે પત્નિ અને સસરા સામે ‘૩૦૬’ દાખલ

0
2283

જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ યુવાનની આત્મહત્યા: પત્નિ અને સસરા સામે ફરીયાદ

તા. o૩-૦૩-૨૨ના રોજ જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ યુવાનને આત્મહત્યા કરી હતી

રીસીમાણે રહેલી પત્ની અને સસરાના ત્રાસથી અંતિમ પગલું ભર્યાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

પોલીસે મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી અંતે મરીજવા મજબૂર કર્યાંની કલમ હેઠળ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 21.જામનગર શહેરમાં બેડેશ્વર નજીક આવેલા વૈશાલીનગર શેરી નં.4 માં રહેતાં યુવાનની પત્ની અને પુત્રી રીસામણે માવતરે જતા રહ્યાં હતાં અને તેમને પતિ વિરૂઘ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો અને આ કેસમાં ભરણપોષણની રકમ ચૂકવાતી ન હોય અને કેસનો નિકાલ થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને યુવાને બ્રુક બોન્ડના ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડેશ્વર પાસે આવેલા વૈશાલીનગર શેરી નં.4 માં રહેતાં મુકેશ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.42) નામના મજૂરી કામ કરતા યુવાને તેની પત્ની મુકતાબેન સાથે અવાર-નવાર ઝઘડા થતા હતાં. લગ્નજીવનમાં સતત થતાં ઝઘડાથી પત્ની મુકતાબેન તેની પાંચ વર્ષની પુત્રી વૃતિકા સાથે તેણીના રાજકોટ માવતરે રીસામણે જતી રહી હતી અને તેણીએ પતિ મુકેશ રાઠોડ વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ભરણપોષણનો કેસ કર્યો હતો અને આ ભરણપોષણના કેસમાં મુકેશને રકમ ચૂકવવાનો અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

દરમિયાન મુકેશ ભરણપોષણની રકમ કોઈ કારણસર ચૂકવી શકતો ન હતો અને અદાલતના કેસનો કોઇ નિકાલ થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે બપોરના સમયે બ્રુકબોન્ડ ગ્રાઉન્ડની ઓફિસ નજીક આવેલા ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પીએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી મૃતકના ભાઈ નરેશનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે કબ્જે કરેલી સ્યુસાઈડ નોટમાં ‘મૃતકના લગ્ન મુકતાબેન સાથે વર્ષ 2014 માં થયા હતાં અને 2016 માં પુત્રી વૃતિકાનો જન્મ થયો હતો પુત્રીના જન્મથી જ તેની પત્ની તેણીના રાજકોટ ખાતેના માવતરે રહેતી હતી અને પત્નીએ મુકેશ વિરૂધ્ધ રાજકોટની ફેમીલી કોર્ટમાં અનેક ખોટા આક્ષેપો સાથે ભરણપોષણનો કેસ કર્યો હતો. જેથી મુકેશે તેની પત્નીને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા હતાં પરંતુ, સસરાના સહયોગના કારણે પત્ની જામનગર સાસરે આવતી ન હતી. પત્ની અને સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા માટે મજબુર થયાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો આ સહિત આઠ પાનાની સ્યુસાઈડ નોટ મૃતકે લખેલી હતી જે પોલીસે કબ્જે કરી છે.

આથી ડોઢ મહિના બાદ પોલીસે મૃતકના ભાઈ નરેશ ગોવીંદભાઈ રાઠોડની ફરીયાદ પરથી મૃતકની પત્નિ અને સસરા સામે IPC -ક્લમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે વધુ તપાસ સીટી-બીના PSI એ બી સપીયા ચલાવી રહ્યા છે.