જામનગરમાંથી ‘તમાકુચોર ઝડપાયો’
ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી તમાકુના કાર્ટૂનની ચોરી કરનારને ઝડપી લેતી સીટી-બી ડીવીઝન પોલીસ.
દેશ દેવી ન્યુઝ જામનગર O9 જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં તાજેતરમાં થયેલી તમાકુના કાર્ટૂનની ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી બી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને તમાકુ ચોર આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ અગાઉ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી 50 કિલો સોપારી ની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
જામનગર ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં એક સપ્તાહ પહેલાં 200 નંગ તમાકુના ડબલા ભરેલા કાર્ટૂનની ચોરી થઇ ગઇ હતી. ગ્રેઇન માર્કેટના દુકાનદારે પોતાની દુકાનના ઓટલા પર કાર્ટુન રાખેલું હતું, જેની કોઇ તસ્કરો ઉઠાંતરી કરી ગયા હોવાથી જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી બી ડિવિઝન પોલીસે તમાકુની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ઉપરોક્ત ચોરીમાં સંડોવાયેલા મૂળ જામનગરના બેડી વિસ્તારમાંના વતની અને હાલ રાજકોટમાં રહેતા ઈસ્માઈલ હારૂનભાઇ લોરૂ નામના 33 વર્ષના શખ્સની અટકાયત કરી લીધી છે અને તેની પાસેથી રૂપિયા 49,680ની કિંમતના 200 નંગ તમાકુના ડબલા ભરેલૂં કાર્ટૂન અને 30 હજાર રૂપિયાની કિંમતનું મોટરસાઈકલ કબજે કર્યું છે. જે ચોરીમાં ઉપયોગમાં લીધું હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપીની પૂછપરછ કરાતાં ઉપરોક્ત ચોરી કર્યાની કબુલાત આપવાની સાથે સાથે અગાઉ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી 50 કિલો સોપારી ની ચોરી કરી હોવાનું અને તે ગુનામાં અગાઉ પોતે પકડાઈ ચુક્યો હોવાનું પણ કબૂલ્યું હતું. સીટી-બી ડિવિઝન પોલીસ દ્વારા તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.