જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટીયા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત: ૩ ના મોત

0
1501

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટીયા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત: પતિ-પત્ની અને પુત્રને ગંભીર ઈજાથી મોત

દેશ દેવી ન્યુઝ જામનગર 02.જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટીયા પાસેથી પસાર થતા ત્રિપલસવારી પરિવારના બાઈકને પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટેન્કર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા મતવા ગામના પાટીયા પાસેથી આજે સવારના સમયે જીજે-10-ડીએફ-1239 નંબરના બાઈક પર જતા પરિવારને પૂરઝડપે – બેફીકરાઈથી આવતા ટેન્કર ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફેેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર બેસેલા મહિલા સહિત ત્રણ વ્યકિતઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકો પણ એકઠાં થઈ ગયા હતાં.ત્યારબાદ પોલીસે ત્રણ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતકો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારના હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. અકસ્માતમાં એક સાથે પતિ-પત્નિ અને પુત્રના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે જો કે, હજુ મૃતકોની ઓળખ થઈ ન હોવાથી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.