ઠેબા પાસે વરસાદી પાણીના નિકાલ મામલે કૃષિમંત્રીના વેવાઈ પર હુમલો.
વાડીના પાણી નિકાલ બાબતે ચાલતા ડખ્ખો બન્યો હુમલાનું કારણ : ઇજાગ્રસ્તને હેમરેજ થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા.
ઇજાગ્રસ્ત ખેડુત વૃધ્ધ ખેડુતની હાલત ગંભીર, શેઢા પાડોશી વશરામ રેવાભાઈ મુંગરા સામે ગુનો નોંધાયો.
દેશ દેવી ન્યુઝ જામનગર 25. જામનગરની ભાગોળે ઠેબા નજીક આઇઓસી પમ્પીંગ સ્ટેશન પાસે વાડી ધરાવતા ખેડુત વૃધ્ધ પર વરસાદી પાણીના નિકાલના મનદુઃખના મામલે બોલાચાલી બાદ શેઢા પાડોશીએ હુમલો કર્યાનો બનાવબહાર આવ્યો છે. ઇજાગ્રસ્ત ખેડુત વૃધ્ધ કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલના વેવાઇ થતા હોવાનુ સામે આવ્યુ છે તો આરોપી શેઢા પાડોશી પણ જિલ્લા ભાજપના પ્રમુખ આગેવાનના સંબંધી થતા હોવાનુ જાણવા મળ્યુ છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે લાલવાડી વિસ્તારમાં રહેતા ગોરધનભાઇ મનજીભાઇ ભંડેરી ( ઉ.વ. 60 ) નામના ખેડુત વૃધ્ધ ઠેબા નજીક આઇઓસી પમ્પીંગ સ્ટેશન પાસે પોતાની વાડી ધરાવે છે . જયારે તેઓની બાજુમાં વશરામભાઇ રવાભાઇ મુંગરા પણ ખેતીની જમીન ધરાવે છે.જે ગોરધનભાઇની જમીનના વરસાદી પાણીના નિકાલ મામલે કેટલાક સમયથી બંને શેઢા પાડોશીઓ વચ્ચે મનદુઃખ ચાલી રહયુ હતુ.
જે જુના મનદુઃખના કારણે ગોરધનભાઇ ( ઉ.વ. 60 ) પર ગુરૂવારે સવારે શેઢા પાડોશી વશરામભાઇએ હુમલો કરી દિધાનો બનાવ બહાર આવ્યો છે જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્ત વૃધ્ધ ગોરધનભાઇને જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડાયા છે.આ બનાવની જાણ થતા પંચએ પોલીસ નો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને ફરીયાદ તજવિજ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ખેડુત વૃધ્ધ રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલના વેવાઇ થતા હોવાનુ સામે આવ્યુ છે. જયારે આરોપી શેઢા પાડોશી પણ જિલ્લા ભાજપના એક આગેવાનના સંબંધી હોવાનુ જાણવા મળ્યુ છે . કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલના વેવાઈ પર થયેલા હુમલાની આ ઘટનાએ સમગ્ર હાલાર પંથકમાં ઘેરી ચકચાર જગાવી દીધી છે.
આથી પોલીસે ઇ.પી.કો. કલમ- ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૨૯૪ ( ખ ) , ૫૦૬ ( ૨ ) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પંચ-એના PSI જે.કે રાઠોડ ચલાવી રહ્યા છે.