ભાણવડ પંથકના રાણપરમાં જમાઇ ઉપર હુમલો: સાળા-સસરા સામે ફરિયાદ.
દેશ દેવી ન્યુઝ ખંભાળિયા 19. ભાણવડ તાબેના રાણપર ગામની સીમમાં રહેતા રાજુભાઈ કેશુભાઈ કારાવદરા નામના હિન્દુ ડફેર યુવાન તેમજ તેમના ભાઈના લગ્ન આ વિસ્તારમાં રહેતા કરસનભાઈ લાડકની પુત્રીઓ સાથે થયા હતા. આ યુવતીઓના દાદાનું થોડા દિવસો પૂર્વે અવસાન થતાં બંને પુત્રવધુ છેલ્લા કેટલાક દિવસોથી માવતરે ગઈ હતી. રાજુ કારાવદરાને તેમના કાકાજી સસરા ચંદુભાઈ દેવાભાઈ લાડક તથા પિતરાઈ સાળા ગગુ કરસનભાઈ લાડક અને સામત ઉર્ફે જલો કરસનભાઈ લાડક રસ્તામાં મળ્યા ત્યારે રાજુભાઈએ કહેલ કે બધી વિધિ પતી ગઈ હોય અને ઘણા દિવસોથી તેમના પત્ની તમારા ઘરે હોય, હવે પરત ઘરે મૂકી જાવ. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા સાળા ગગુ કરસન તથા સામત ઉર્ફે જલો લાડકએ ઉશ્કેરાઈને તેમને બિભત્સ ગાળો કાઢી ઢીકાપાટુનો મારમાર્યો હતો.જયારે કાકાજી સસરા ચંદુભાઈ દેવાભાઈ લાડકએ પથ્થરનો ઘા મારી રાજુને લોહીલુહાણ કરી મૂક્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રાજુભાઈને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વઘુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રાજુભાઈના પિતા કેશુભાઈ ભીમાભાઈ કારાવદરા (ઉ.વ. 42) ની ફરિયાદ પરની ભાણવડ પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 337, 324, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.