ગુજરાતમાં આ પ્રકારના કડક પ્રતિબંધ લાગે તેવા એંધાણ, શાળાઓ માટે પણ લેવાશે મોટો નિર્ણય
રાજ્યમાં વધી રહ્યુ છે કોરોના સંક્રમણ..
રાજ્ય સરકારે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
ગુજરાતમાં લાગુ થઇ શકે છે કડક નિયમો
10 જાન્યુઆરી બાદ શાળાઓ મુદ્દે લેવાશે નિર્ણય..
દેશ દેવી ન્યુઝ જામનગર 06.ગાંધીનગર રાજ્યમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.
મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અઁગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
રાજ્યમાં તરૂણોને કોરોના રસી આપવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. શાળામાં કોરોનાના કેસ વધતા ઓફલાઇન સ્કૂલો ચાલુ રાખવી કે કેમ તે અંગે પણ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.
10 જાન્યુઆરી બાદ રાજ્ય સરકાર શાળાઓ ચાલુ રાખવી કે ઓનલાઇન શિક્ષણ યથાવત કરવુ તે અંગે નિર્ણય લેશે.
રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્યક છે પરંતુ 3 હજારથી પણ વધારે કેસો રાજ્યમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. જે જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા છે.
વધતા કેસને પગલે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયમો લાવી શકે છે. હાલમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યૂ છે તેનો સમય પણ વધારી શકે છે.