જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતી અને વાડીનાર પોર્ટ ખાતે કામ કરતી મહિલાને સહકર્મીએ આપી બીજીવાર ધમકી: પોલીસ ફરિયાદ

0
1353

જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતી અને વાડીનાર પોર્ટ ખાતે કામ કરતી મહિલાને સહકર્મી ફરી આપી અભદ્ર ભાષામાં ધમકી

વાડીનારમાં નોકરી કરતી પરપ્રાંતિય મહિલાને સિનિયર કલાર્ક દ્વારા પરેશાન કરાતી હોવાની ફરિયાદ..

ગત મહિને ઓફિસમાં અભદ્ર ભાષા લખી હતી જે મામલે ફરિયાદ થઈ હતી, જામનગરમાં બીજી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૬. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે પહોચી પરપ્રાંતીય મહિલાના ઘરે પહોચી એક શખસે તેણીને તથા તેની પુત્રી સહિત ત્રણ સભ્યો સામે બીભત્સ વાણીવિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સીટી-બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વાડીનાર ખાતે પંડિત દીનદયાળ પોર્ટમાં સિનિયર ક્લાર્ક આરોપીએ તેની સાથે ઓફિસમાં નોકરી કરતી મહિલા સાથે અભદ્ર વર્તન કરી છેડતી કર્યા બાદ આરોપીએ જામનગર આવી વધુ એક ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારના પંડિત દિન દયાલ પોર્ટ ખાતે ડેઇલી રેટેડ-ખલાસી તરીકે નોકરી કરતી અને જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી મહિલા રવિવારના રોજ પોતાના ઘરે હતી ત્યારે તેની ઓફિસમાં જ સીનીયર ક્લાર્ક તરીકે નોકરી કરતો મીથીલેશકુમાર પાંડે આવી પહોંચ્યો હતો. આરોપીએ ઘરે આવી વાણી વિલાસ આચરી મહિલા તથા તેમની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.

આ બનાવ અંગે મહિલાએ આરોપી સામે સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત મહિને મહિલાએ આરોપી મીથીલેશકુમાર પાંડે સામે વાડીનાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આરોપી છેલ્લા એક વર્ષથી જુદી જુદી કામગીરીના બહાને માનસિક રીતે હેરાન પરેશાન કરી તેણી જ્યાં કામ કરતી હોય તે કોમ્પ્યુટરના વાયરીંગ સરખા કરવાના બહાને તેની પાસે જઇ, તેણીને ખરાબ નજરે જોઇ, તેમના પગ પર ખરાબ સ્પર્શ કરી તેમજ તેમની પાછળ પાછળ જઇ ખરાબ નજરે જોઇ અને ફરીયાદી તે વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી હતી.

આ ઉપરાંત ગત તા.21/09/2021 ના રોજ તેણીની ઓફીસના હાજરી પત્રકમાં પણ અરૂચિકર વાકયો લખીને ફરીયાદી વિશે ટીકાકારક નોંધ લખી તેની નીચે આરોપીએ પોતાની સહી કરી હતી. આ બનાવ અંગે વાડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે જેની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં આરોપીએ વધુ એક ગુનો આચર્યો છે.