લાંચ કેસમાં વીજકંપનીના નાયબ ઇજનેરને 2 વર્ષની સજા ફટકારાઇ : ફફડાટ

0
759

દ્વારકા જિલ્લાના લાંચ કેસમાં વીજકંપનીના નાયબ ઇજનેરને 2 વર્ષની સજા ફટકારાઇ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા: લાંચ કેસમાં વીજકંપનીનના નાયબ ઇજનેરને અદાલતે બે વર્ષની સજા ફટકારી છે.

લાંચ લેનાર શખસને એક વર્ષની કેદ અને રૂ.2000 દંડ ફટકાર્યો છે. નાયબ ઇજનેરે વીજમીટરનો કેસ ફાઇલ કરવા રૂ.5000ની લાંચ માંગી હતી. દ્વારકા જિલ્લામાં વર્ષ-2001 માં ભાણવડમાં જીઇબીના નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ઠાકોરભાઇ પટેલે ચેકીંગ દરમ્યાન એક દુકાનેથી વીજ મીટર કાઢયું હતું.

આ વીજ મીટર પાછું લગાડી કેસ ફાઇલ કરવા દુકાનદાર પાસેથી રૂ.5000ની લાંચની માંગણી કરી હતી. છેલ્લે રૂ.4000 નકકી થયા હતાં. આથી દુકાનદારે ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ ઇજનેર કલ્પેશ પટેલના કહેવાથી બળવંત કાનજીભાઇ પોપટ(રે.ભાણવડ) રૂ.4000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આથી એસીબીએ બંને શખસો સામે ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં દસ્તાવેજી  પુરાવા, સરકારી વકીલ એલ. આર. ચાવડાની  રજૂઆતો ધ્યાને લઇ એડીશ્નલ સેશન્સ જજ ડી.ડી.બુધ્ધદેવે નાયબ ઇજનેર કલ્પેશ પટેલને બે વર્ષની સાદી કેદની સજા અને રૂ.5000 દંડ અને જો દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા ફટકારી હતી. જયારે બળવંત પોપટને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.2000 નો દંડ ફટકાર્યો હતો.