જામનગરમાં POP માંથી બનાવેલ 25 જેટલી ગણપતિની મૂર્તિઓ કબજે કરતું એસ્ટેટ

0
304

જામનગરમાં 25 જેટલી પી.ઓ.પી. માંથી બનાવેલી ગણપતિની મૂર્તિઓ કબજે કરતું જામ્યુકો

જામનગર: જામનગર શહેરમાં આગામી ગણપતિ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, અને મહાનગરપાલિકા દ્વારા માત્ર માટી માંથી બનાવેલી ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા માટેની સુચના આપવામાં આવેલી છે. તેમ છતાં કેટલાક વિક્રેતાઓ દ્વારા પી.ઓ.પી. માંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ કરતા હોવાનું એસ્ટેટના કંટ્રોલીંગ ઓફિસર મુકેશ વરણવાને  ધ્યાનમાં આવ્યું હતું.

જેથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ઓફિસર દિક્ષીત અને તેમની ટીમના કુલદીપસિંહ પરમાર ,ધવલ ભાનુશાળી સહિત 13 જેટલા સભ્યો દ્વારા આજે સૌ પ્રથમ ખોડીયાર કોલોની થી સમર્પણ સર્કલ સુધીના માર્ગ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

જે ચેકિંગ દરમિયાન જુદાજુદા છ જેટલા વિક્રેતાઓ દ્વારા માટીની સાથે સાથે પી.ઓ.પી.ની ગણપતિની મૂર્તિ નું પણ વેચાણ કરાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

મહાનગરપાલિકાની ટુકડીએ પી.ઓ.પી. માંથી બનાવેલી 25 જેટલી નાની મોટી મૂર્તિઓ કબજે કરી લીધી છે. આ કાર્યવાહી સમયે પીઓપીની મૂર્તિ નું વેચાણ કરનારાઓમાં ભારે દોડધામ થઇ હતી, અને મૂર્તિઓ લઈને આમ-તેમ ભાગવા લાગ્યા હતા.
આ ઉપરાંત જામનગર શહેરના સાધનાકોલોની માર્ગ પર પણ અનેક મૂર્તિના વેચાણકારો જાહેર રોડ પર ગણપતિની મૂર્તિનું વેચાણ કરી રહ્યા છે.

તેમાં પણ પી.ઓ.પી.ની મૂર્તિઓનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી જાણકારી ને લઈને મહાનગરપાલિકાની ટુકડી ઉપરોક્ત વિસ્તારમાં પહોંચી ગઈ હતી, દરમિયાન પી.ઓ.પી.ની મૂર્તિના વેચાણ કરનારાઓ દ્વારા મૂર્તિઓ લઈને ભારે ભાગદોડ શરૂ કરવામાં આવી હતી.

મહાનગર પાલિકાની ટીમ દ્વારા પી.ઓ.પી. માંથી બનાવેલી મુર્તીઓ કબજે કરવાની કામગીરી આવી રાત ચાલુ રાખવામાં આવી છે.