જામનગરમાં વધુ એક લેન્ડ ગ્રેબીંગ: ચેલાના પિતરાઇ ભાઇઓ અને કાકા ભરાયા ભાઠે

0
1385

જામનગર પંથકમાં વધુ એક લેન્ડ ગ્રેબીંગ: ચેલા ખેતીની જમીનમાં ગેરકાયદે દબાણ કરનાર કાકા તથા પિતરાઇ ભાઇઓ સામે ફરિયાદ

જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા યોગેન્દ્રસિંહ ભાવસિંહ કેર નામના 47 વર્ષના ખેડૂત યુવાનની ચેલા ગામમાં જુના સર્વે નંબર 2 678 અને નવા સર્વે નંબર 566 કે જેનું ક્ષેત્રફળ 0-26-52 હેક્ટર આરે. ચોરસ મીટર વાળી પોતાના દાદા જેસંગજી કેર ની વારસાઈ જમીન આવેલી છે.

જે જમીનમાં છેલ્લા દોઢ વર્ષથી યોગેન્દ્રસિંહ કેર ના કુટુંબી કાકા હેમતસિંહ માનસંગ કેર, અને તેના બે પુત્રો કિશોરસિંહ હેમતસિંહ કેર અને પૃથ્વીરાજસિંહ હેમતસિંહ કેર વગેરેએ કબજો કરી લીધો હતો, અને પોણા બે વિઘા જેટલી જગ્યામાં ઓરડી વગેરે બનાવી લઈ ગેરકાયદે વીજ કનેક્શન મેળવી લઇ જમીન પચાવી પાડવાનું કાવતરું રચ્યું હતું.

જેથી જમીન માલિકે ઉપરોક્ત જગ્યા માં જઈને પોતાના કાકા વગેરેને જગ્યા ખાલી કરી દેવા જણાવ્યું હતું. પરંતુ ત્રણેય પિતા-પુત્રોએ ઉશ્કેરાઇ જઇ મારકૂટ કરી હતી, અને ફરીથી જમીનમાં પગ મૂકશે તો પતાવી નાખવાની ધમકી આપી જમીનમાં ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો.

જેથી યોગેન્દ્રસિંહ દ્વારા જામનગરની જિલ્લા કલેકટર કચેરીમાં નવા કાયદા હેઠળ અરજી કરી હતી.

જે અરજીના અનુસંધાને ગ્રામ્ય વિભાગના એસ.ડી.એમ. તેમજ મામલતદાર વગેરેની ટીમ દ્વારા ખરાઇ કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત ખેતીની જમીન યોગેન્દ્રસિંહ કેર ના નામે નોંધાયેલી છે, અને તેઓના દાદાના નામની વારસાઈ એન્ટ્રી પડેલી છે. પરંતુ હિંમતસિંહ અથવા તો તેના પરિવારનો તેમાં કોઈ હક ના હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી જામનગરના પોલીસ તંત્રને આ મામલે ફરિયાદ નોંધવા પત્ર મોકલ્યો હતો. જેના અનુસંધાને ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ કેરની ફરિયાદના આધારે હેમતસિંહ માનસંગ કેર ઉપરાંત તેના બે પુત્રો કિશોરસિંહ હેમતસિંહ અને પૃથ્વીરાજસિંહ હેમતસિંહ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4 (3), 5 (ગ) તેમ જ આઈ.પી.સી. કલમ 323, 294(ખ), 506-2, અને 114 મુજબ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.