જામનગર જિલ્લામાં હાઇવેના બાંધકામ માટે સંપાદિત જમીનના વળતર મામલે R&B ના અગ્રસચિવ અથવા અધિક મુખ્ય સચિવને હાઇકોર્ટમાં હાજર થવા આદેશ

0
473

જામનગર જિલ્લામાં હાઇવેના બાંધકામ માટે સંપાદિત જમીનના વળતર મામલે આર એન્ડ બી.ના અગ્રસચિવ અથવા અધિક મુખ્ય સચિવને હાઇકોર્ટમાં હાજર થવા આદેશ

ત્રણ વર્ષ પહેલાં કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં હજુ સુધી વળતરની ચૂકવણી ન થઇ હોવાનો મામલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગર જિલ્લામાં હાઇવેના બાંધકામ માટે સંપાદિત થયેલી જમીનના વળતર માટે ત્રણ વર્ષ પહેલાં કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં હજુ સુધી વળતરની ચૂકવણી ન થઇ હોવાનો મામલો ગુજરાત હાઇકોર્ટ સામે આવ્યો હતો.

હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ તથા ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ વિલંબનો જવાબ આપવા માર્ગ અને મકાન ( આર એન્ડ બી ) વિભાગના અગ્રસચિવ અથવા અધિક મુખ્ય સચિવને 25મી ઓગસ્ટની સુનાવણીમાં હાજર થવા આદેશ કર્યો છે.

આ ઉપરાંત હાઇકોર્ટે આજે ટકોર કરી હતી કે આવી રીતે વળતરમાં વિલંબ કરી અને વધુ વ્યાજ ચૂકવી અધિકારીઓ કરદાતાઓના નાણાનો વ્યય કરી રહ્યા છે અને સરકારની તિજોરીનો બોજો વધારી રહ્યા છે.

હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ જામનગર જિલ્લામાં હાઇવે માટે સંપાદિત થયેલી જમીનનો કેસ આવ્યો હતો.

જેમાં કોર્ટે સપ્ટેમ્બર-2018માં વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો અને વિલંબના સમયગાળા માટે 15 ટકા વ્યાજ નક્કી કર્યુ હતું.

રાજ્ય સરકારે જવાબમાં દલીલ કરી હતી કે વળતર માટેનો પ્રસ્તાવ થોડાં દિવસો પહેલાં જ મોકલી દેવામાં આવ્યો છે. તેથી ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવે.

જેથી કોર્ટે ટકોર કરી હતી કે કોર્ટના આદેશ બાદ વળતરમાં ત્રણ વર્ષનો વિલંબ થયો છે અને 15 ટકા વ્યાજ ચૂકવવાનું છે. આવી રીતે વિલંબ દ્વારા વધુ વ્યાજ ચૂકવી અધિકારીઓ કરતાદાઓના નાણાનો વ્યય કરી રહ્યા છે અને સરકારની તિજોરી પરનો બોજો વધારી રહ્યા છે. 15 ટકા વ્યાજ એ બહુ મોટો દર છે અત્યારે બેન્કો પણ લાંબા ગાળાની ફિક્સ ડિપોઝીટ પર છથી સાત ટકા વ્યાજ આપે છે.

ખંડપીઠે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અથવા એડિશનલ ચીફ સેક્રેટરીને 25મી ઓગસ્ટની સુનાવણીમાં કોર્ટ સમક્ષ હાજર રહેવા નિર્દેશ કર્યો છે અને આ વિલંબ માટે નાણા વિભાગ કે સામાન્ય વહીવટ વિભાગના અન્ય કોઇ અધિકારીઓ જવાબદાર હોય તો તેમને પણ કોર્ટમાં હાજર રાખવા નિર્દેશ કર્યો છે. અરજદાર ગજેન્દ્રભાઇ રામભાઇ ઓડેદરા તરફથી એડવોકેટ હર્ષદભાઇ આર. પ્રજાપતિ હાજર રહ્યાં હતા.