120 થી વધુ ભારતીયોને સુરક્ષિત એરલિફ્ટ કરી કાબુલથી નીકળેલું એરફોર્સનું બે સી-17 ગ્લોબમાસ્ટર વિમાન જામનગર પહોંચ્યું
રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અધિકારીઓ દ્વારા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે યાત્રીઓનું કરાયું સ્વાગત
પ્લેન ઈંધણ પૂરાવવા માટે જામનગરમાં ઉતર્યા બાદ હિંડન એરબેસ માટે રવાના
જામનગર : તાલિબાનનું નિયંત્રણ વધવાની સાથે જ કાબુલમાં સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીયો ફસાયેલા છે. જો કે સરકારે સુરક્ષા કારણોસર તેમની સંખ્યા જણાવી નથી. તેમને પાછા લાવવા માટે વાયુસેનાના બે સી-17 ગ્લોબમાસ્ટરને કામે લગાડ્યા છે.
જેમાંથી એક વિમાને રવિવારે રાતે ઉડાણ ભરી અને કાબુલથી કેટલાક મુસાફરોને લઈને સોમવારે સવારે ભારત પહોંચ્યું. બીજું વિમાન કાબુલથી લગભગ 120થી લોકોથી વધુને લઈને મંગળવારે સવારે ઉડ્યું અને જામનગર પહોંચ્યું હતું,સુરક્ષિત ભારતની સરહદમાં પહોંચેલા તમામ યાત્રીઓનું રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા કલેકટર સૌરભભાઇ પારઘી, આસ્થાબેન ડાંગર, એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતીય રાજદૂત સહિત અન્ય નાગરિકોને લઈને કાબુલથી રવાના થયેલું વાયુસેનાનું વિમાન ગુજરાતના જામનગર પહોંચી ગયું છે. આ વિમાનમાં લગભગ 120 જેટલા લોકોને સુરક્ષિત લાવવામાં આવ્યા છે. આ પ્લેન ઈંધણ પૂરાવવા માટે જામનગરમાં ઉતર્યું છે. અહીંથી આ વિમાન હિંડન એરબેસ જશે. વિમાને સવારે પોણા આઠ વાગે કાબુલથી ઉડાણ ભરી હતી.
ભારતીય વાયુસેનાનું ઈ-17 મંગળવારે સવારે કાબુલથી રવાના થયું હતું. ભારતનું આ એરક્રાફ્ટ અમેરિકી સૈનિકો દ્વારા એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા વચ્ચે નીકળ્યું હતું. કાબુલ એરપોર્ટને સવારે જ અમેરિકી એજન્સીઓ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યું છે.
આ વિમાનમાં લગભગ 120થી વધુ લોકોને પાછા લાવવામાં આવી રહ્યા હતા.
ભારતીય રાજદૂત આર ટંડન સહિત સ્ટાફને પણ કાબુલથી પાછા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓને પણ જલદી ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે.