કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં કરૂણાંતિકા : બળદને બચાવવા ગયેલ ખેડૂતનું મોત

0
692

કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં કરૂણાંતિકા : બળદને બચાવવા ગયેલ ખેડૂતનું મોત

જામ્યુકો ફાયર બ્રિગેડે મહામહેનતે કુવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કાલાવડ તાલુકાના સોરઠા ગામ ની સીમ વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂત છગનભાઈ બચુભાઈ લોરીયા (ઉ.વ.48) કે જેઓનો બળદ આજથી એકાદ સપ્તાહ પહેલાં પોતાના વાડીના ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી ગયો હોવાથી તે બળદ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

પરંતુ બળદ પાણીમાં ડૂબી ગયો હતો, અને ખેડૂત પોતે પણ ડૂબી ગયા હતા. અને બંનેના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહથી બંને કૂવામાં પડ્યા હોવાથી બળદ અને છગનભાઈના મૃતદેહ તદ્દન કોહવાઈ ગયા હતા, અને ખૂબ જ દુર્ગંધ મારતી હતી. છગનભાઈ એકલા રહેતા હોવાથી કોઈને જાણકારી ન હતી.

પરંતુ આસપાસના વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ પ્રસરી ગઇ હોવાથી સરપંચ વગેરેએ કાલાવડ પોલીસને જાણ કરાતા પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જે દરમિયાન કૂવામાં કોહવાયેલા મૃતદેહને પર નજર પડી હતી.

જેથી જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જે ફાયર ની ટુકડી વહેલી સવારે સોરઠા ગામે પહોંચી ગઈ હતી, અને 50 ફૂટ ઊંડા કૂવામાં કે જેમાં 10 ફૂટ પાણી ભરેલું હતું, તે પાણીના ભાગમાંથી છગનભાઈના મૃતદેહને બહાર કાઢી કાલાવડ પોલીસને સુપરત કરી દીધો હતો. જે મામલે કાલાવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

સોરઠા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આ મામલે પોલીસને એવુ જણાવ્યું હતું, કે છગનભાઈ એકલા જ રહેતા હતા અને કૂવામાં પડી ગયા હોવાનું હનુમાન લગાવ્યો છે જે મામલે કોઈને જાણકારી ન હતી પરંતુ ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી આસપાસ ની વાડી માલિકોએ સરપંચને જાણ કરી હતી અને સરપંચે કૂવામાં નિરીક્ષણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.