ખંભાળિયાના જ્વેલર્સનું સોનુ લઇને ફરાર થયેલ શખસને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવાયો

0
370

ખંભાળિયાના જ્વેલર્સનું સોનુ લઇને ફરાર થયેલ શખસને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવાયો

આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: પોલીસ દ્વારા સુરત તરફ તપાસના ચક્રો ગતિમાન

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયાના સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા શીરાજ બંગાળી નામના એક વેપારી કારીગરને ત્યાં ગત તારીખ 11 એપ્રિલના રોજ કામે રહેલા સાકીરુદ્દીન અબ્દુલા શેખ નામના 21 વર્ષીય યુવાન બીજા જ દિવસે તા. 12 ના રોજ આશરે રૂપિયા બે લાખની કિંમતનું 45 ગ્રામ સોનું લઈને રફૂચક્કર થઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ તા. 13 એપ્રિલના રોજ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સુચના મુજબ અહીંના પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા વિવિધ દિશાઓમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉપરોક્ત આરોપીનું પગેરું પશ્ચિમ બંગાળ સુધી હોવાનું ધ્યાને આવતા તપાસનીશ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા તથા સ્ટાફ ગત તારીખ 7 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળ રાજ્યના હુબલી જિલ્લામાં પહોંચ્યા હતા.

અહીંથી ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા ડોલેશ્વર વિસ્તારમાંથી ઉપરોક્ત આરોપીને દબોચી લઇ, ખંભાળિયા લઈ આવવામાં આવ્યો હતો.

આરોપીને ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.