તાલુકા પંચાયતના માજી પ્રમુખને મોઢે ડૂચો દઈ મોબાઈલની લુંટ : ૬ જેટલા અજાણ્યા શખ્સનું કારસ્તાન

0
477

પીઠડ ગામમાં તા.પં.ના માજી પ્રમુખ મોઢે ડૂચો દઈ મોબાઈલની લુંટ

જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા તાલુકા પંચાયતના માજી પ્રમુખ હેમરાજભાઈ મોહનભાઈ મેંદપરા (ઉ.વ.70) જેઓ રવિવારે રાત્રી દરમિયાન પોતાના ઘેર સુતા હતા તે દરમ્યાન રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં ચાલુ વરસાદે 6 જેટલા અજાણ્યા લુટારૂ શખ્સો ધાડ પાડવાના ઇરાદે મકાનના રસોડાની બારીનો કાચ તોડ્યો હતો. ત્યાર પછી બારીની ગ્રીલ તોડવાના પણ પ્રયાસો કર્યો હતો.

પરંતુ તે ગ્રીલ તૂટી ન હોવાથી મુખ્ય દરવાજામાં લાકડી અને પથ્થર લઇ સ્ટોપર પર મારતા દરવાજો ખુલી ગયો હતો અને તમામ ધાડપાડુઓ મકાનની અંદર ઘૂસી ગયા હતા. લાકડી અને કોઇતા સાથે ઘૂસેલા લૂંટારુઓ પૈકીના બે શખ્સોએ નિદ્રાધીન અવસ્થામાં રહેલા હેમરાજભાઈ મેંદપરાના મોઢા પર ઓશીકું દબાવી મોઢે ડુચો દીધો હતો.

આ દરમ્યાન મહેન્દ્રભાઇએ બૂમાબૂમ કરી મૂકતા બાજુના રૂમમાં સુઈ રહેલા તેમના પત્ની અને પૌત્રી વગેરે જાગી ગયા હતા.જે સમગ્ર દેકારાને લઈને તમામ લૂંટારુઓ ત્યાંથી એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા.

આ અંગે જોડિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા જોડિયા પોલીસે હેમરાજભાઈ મેંદપરાની ફરિયાદના આધારે છ અજાણ્યા શખ્સો સામે લૂંટ અને ધાડની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને તમામને પકડી પાડવા માટે ચોતરફ નાકાબંધી કરી છે.

પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓ ચકાસવામાં આવ્યા હતા, જેમાં એક સીસીટીવી કેમેરામાં 6 જેટલા ધાડપાડુઓની એક ગેંગ ભાગી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.