જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રાત-દિવસ ચાલતા ડમ્પરના ત્રાસથી લોકો ત્રાહિમામ : નવાજુનીના એંધાણ

0
1121

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રાત-દિવસ ચાલતા ડમ્પરના ત્રાસથી લોકો ત્રાહિમામ

ઓવરલોડેડ અને ભારેખમ વાહનો પસાર થવાથી ભુગર્ભ ગટર અને ગેસ કનેકશનની લાઇનને નુકશાન થવાથી ગંભીર પરિસ્થિતિ ઉદ્દભવવાની શક્યતાથી લોકોમાં દહેશત

સરકારના જાહેરનામા વિરૂઘ્ધ ચાલતા ટ્રક-ડમ્પરના ત્રાસથી છુટકારો અપાવવા સ્થાનિક કોર્પોરેટર અને લત્તાવાસીઓને જીલ્લા કલેકટર અને મેયર અને મ્યનિશિપલ કમિશ્નરને રજૂઆત.

જામનગર: જામનગરમાં ગાંધીનગર પાછળ કચરાના રીસાયકલીંગ પ્રોસેસમાં ટન બંધ કચરો ઠાલવવા ઓવર લોડેડ ડમ્પરો સોસાયટીના રહેણાંક વિસ્તારોમાંથી આખી રાત પસાર થતા હોવાની ફરિયાદ સાથે અને સરકારના જાહેરનામા વિરૂઘ્ધ ચાલતા ટ્રક-ડમ્પરના ત્રાસથી છુટકારો અપાવવા સ્થાનિક કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ- કૃપાબેન જે. ભારાઇ અને લત્તાવાસીઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.આ રજૂઆતમાં જણાવ્યા મુજબ,ઉપરોક્ત બાબતે જણાવવાનું કે, અમારા વોર્ડ વિસ્તારમાં ગાંધીનગર, મોમાઇનગર, પુનીતનગર વિસ્તારમાંથી છેલ્લા ઘણા દિવસોથી દિવસ તથા રાત્રીના સમયે કચરાના ઓવર-લોડેડ ડમ્પરો પસાર થાય છે. આ ડમ્પરોમાં આશરે 25 થી 30 ટન જેટલો ઓવર લોડેડ કચરો ભરેલ હોય છે. જેના હિસાબે સ્થાનિક નાગરીકોને પારાવાર મુશ્કેલી પડે છે અને સ્થાનિક લોકોની ઉંઘમાં સતત ખલેલ પહોંચે છે. દિવસના બાળકોનો અભ્યાસમાં પણ ભારે મુશકેલી પડે છે. આ ઉપરાંત આ ડમ્પરો દ્વારા ભરાતો કરચો રોડ ઉપર પણ પડતો હોય છે. જેના કારણે ભારે ગંદકી થઇ જાય છે. જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓને ઉગ્ર રોષની લાગલી ફેલાયેલ છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં જયાંથી ડમ્પયરો પસાર થાય છે, તે રોડ ઉપર નીચે ભુગર્ભ ગટરની મેઇન લાઇન આવેલ છે. તે ઉપરાંત ગેસની લાઇન પણ આવેલ છે. આથી ઓવરલોડેડ અને ભારેખમ વાહનો પસાર થવાથી ભુગર્ભ ગટરની લાઇનને નુકશાન થવાનો સંભવ રહે છે, ઉપરાંત ગેસની લાઈન પણ ડેમેજ થવાની શકયતા રહે છે અને જો આવુ થશે તો આ વિસ્તારમાં ક્યારે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા છે.

આ બાબતે તાત્કાલીક નિરાકરણ કરવું જરૂરી છે. જેથી આ બાબતે તાત્કાલીક ઘટીત કાર્યવાહી કરવામાં આવે અને આવા ડમ્પરોનું આવન-જાવન લોકોની સુખાકારી માટે બંધ કરવામાં આવે તે જરૂરી છે.

આ સમસ્યાના નિરાકરણ માટે વૈકલ્પીક વ્યવસ્યા તરીકે વાલસુરા રોડ ઉપર બેડી મરીન પોલીસ ચોકીની બાજુમાંથી સીધા પ્લાન્ટ પર જઇ શકાય તેમ છે, તે રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઇ શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તમામ મહાનગરપાલિકા એરીયામાં રાત્રિ કર્ફયુ હોય તેવા સંજોગોમાં રાજય સરકારના જાહેરનામા વિરૂઘ્ધ ટ્રકો ચલાવવામાં આવે છે. તો તેઓએ જરૂરી મંજુરી મેળવેલ છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે.