જામનગરમાં સગાઈ તોડી નાખજે એવું દબાણ કરી માર માર્યાની બે શખસ સામે ફરિયાદ

0
841

જામનગરમાં ‘પ્રણય ત્રિકોણ’માં યુવાન ઉપર હિચકારો હુમલો

સગાઈ તોડી નાખજે એવું દબાણ કરી માર માર્યાની બે શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં રાજ પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતો અને કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરતો ઉત્તમ ભાણજીભાઈ જેઠવા નામનો 31 વર્ષનો પ્રજાપતિ યુવાન ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પંચેશ્વર ટાવર પાસે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ માં ઉભો હતો.

જે દરમિયાન ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો કુલદીપસિંહ વનરાજસિંહ વાઘેલા પોતાના અન્ય એક સાગરિત સાથે ધસી આવ્યો હતો, અને ઉત્તમ જેઠવાએ તાજેતરમાં જે સગપણ કર્યું છે, તે તોડી નાખવા માટે દબાણ કરી માથાના ભાગે લોખંડના સળિયાના બે ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા થઈ હતી. અને લોહી લુહાણ થયો હતો. ઉપરાંત તેની સાથે રહેલા અન્ય સાગરિતે પણ ઠોકર મારી પછાડી દીધો હતો, અને બન્ને આરોપીઓ ભાગી છૂટયા હતા.

આ બનાવ પછી ઉત્તમ જેઠવા ને  જી. જી. હોસ્પિટલમાં  સારવાર અપાઈ હતી. અને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. પોલીસને આ ઘટનાની જાણ થવાથી સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જી. જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઈજાગ્રસ્ત નો પોલીસે નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતાનું સગપણ તોડી નાખવા માટે આરોપીઓ દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી ઉત્તમ જેઠવા નું તાજેતરમાં એક યુવતી સાથે સગપણ થયું હતું, જે મંગેતર સાથે આરોપી કુલદિપસિંહ વનરાજસિંહ વાઘેલા પોતે સંબંધ રાખે છે, તેમ કહીને ધસી આવ્યો હતો. અને સગાઈ તોડી નાખજે એવું દબાણ કરી માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે ઉત્તમ જેઠવાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ વાઘેલા અને તેના સાગરીત સામે હુમલા અંગેની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.