જામનગરને ગૌરવ અપાવનાર જી.જી હોસ્પિટલના ડો.ગોસ્વામીને મળ્યો નેશનલ એવોર્ડ

0
481

જામનગર જી.જી હોસ્પિટલના ડો. ગોસ્વામીને મળ્યો નેશનલ એવોર્ડ

કોરોનાકાળમાં યશસ્વી કામગીરી કરનાર ડો. ગોસ્વામીને આઇએમએ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવાની જાહેરાત થતા તબીબી આલમમાં ખુશીનો માહોલ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગરમાં કોરોનાકાળમાં કોવિડ હોસ્પીટલમાં ડોકટરોએ ખુબ જ જહેમત ઉઠાવીને દર્દીઓના જીવ બચાવ્યા છે, ત્યારે એક વર્ષ સુધી રાત દિવસ જોયા વગર ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને ગરીબોના બેલી ગણાતા ડો. ભુપેન્દ્ર ગોસ્વામીને ગઇકાલે આઇએમએ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.

જામનગરના એક માત્ર તબીબની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે, તેમને એવોર્ડ મળવાની જાહેરાત થતા જી.જી. હોસ્પીટલમાં ડોકટરોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી અને તેમના પર અભિનંદનની વર્ષા થઇ હતી.

મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા ડો. ભુપેન્દ્ર ગોસ્વામી ખુબ જ શાંત સ્વભાવના છે, અત્યાર સુધીમાં આશરે ૧૫ થી ૧૬ હજાર જેટલા દર્દીઓની કોરોનાકાળમાં તબીબી ચકાસણી પણ કરી હતી, રાત દિવસ જોયા વગર તેઓએ કોવિડ હોસ્પીટલમાં જે પ્રશંસનીય કામગીરી કરી હતી જેની નોંધ લેવામાં આવી હતી, ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ આપવામાં આવે છે જેમાં આખા વર્ષ દરમ્યાન સારી કામગીરી કરી હોય તેઓને આ એવોર્ડ આપવામાં આવે છે, ગુજરાતમાં કુલ પાંચ ડોકટરોને આ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.

કોરોનાકાળમાં જયારે ૨૦૦૦થી વધુ લોકો સારવારમાં હતા ત્યારે કોવિડના વડા ડો. એસ.એસ. ચેટરજીની સાથે રહીને તેઓએ ખુબ જ કપરી કામગીરી કરી હતી, ડો. ગોસ્વામીની આ એવોર્ડ માટે પસંદગી થઇ છે તે જામનગરનું ગૌરવ કહી શકાય, આઇએમએ દ્વારા પણ તેમની કામગીરીની ઉત્કૃષ્ટ નોંધ લીધી છે, આમ જી.જી. હોસ્પીટલના મેડીકસીન વિભાગના નિષ્ણાંત તબીબ ડો. ગોસ્વામીની પસંદગી થતા ડીન ડો. નંદીની દેસાઇ, અધિક ડીન ડો. એસ.એસ. ચેટરજી, તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી સહિતના ડોકટરોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.