જામનગરના ૭૮ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાના “ડ્રિમ પ્રોજેકટ” એવા રંગમતિ નદી પરના ૫૦૦ કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સ્થળ પર નિરીક્ષણ કર્યું
-
પ્રથમ તબક્કામાં ૧૨૫ કરોડના ખર્ચે રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાઇ : ધારાસભ્યએ મનપા ના અધિકારીઓની ટીમને જરૂરી સૂચનો કર્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭, એપ્રિલ ૨૫ જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી નાગમતી નદી પર અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેના પ્રાથમિક તબક્કાના ભાગરૂપે ૧૨૫ કરોડના ખર્ચે નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આ પ્રોજેક્ટ નું જેમણે સપનું સેવ્યું હતું, તે ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગઈકાલે રંગમતી નદીના પટમાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.તેઓએ જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓને સ્થળ પર રિવર ફ્રન્ટ ને લગતા જરૂરી સૂચનો આપ્યા હતા. આવેળાએ જામનગર મહાનગરપાલિકાના આશિ. કમિશનર ભાવેશ જાની, અને પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ઇજનેર રાજીવ જાની સહિતના અધિકારીઓ તેમજ કેટલાક કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
હાલમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરીમાં બે જેસીબી મશીનો લગાડવામાં આવ્યા છે, અને ઊંડી ઉતારવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે.ચાલુ સપ્તાહ દરમિયાન જ ઉપરોક્ત પ્રોજેક્ટ અંતર્ગત કુલ પંદર હિટાચી મશીનો તેમ જ છ જેસીબી મશીન ને એકી સાથે કામે લગાડીને પ્રોજેક્ટને ગતિ આપવામાં આવશે, તેમ જણાવ્યું છે.
ધારાસભ્ય રિવાબા જાડેજા ના જણાવાયા અનુસાર આ પ્રોજેક્ટ થી રંગમતી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે, તેનો ઉકેલ લાવી શકાશે. તેમજ વરસાદી પાણીનો સંગ્રહ થશે અને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા પણ હલ થઈ શકશે .ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ વ્યક્તિગત રસ લઈને આ પ્રોજેક્ટને મંજૂરી મેળવવા ના પ્રયાસો કર્યા હતા, અને તેમાં સફળતા મળી છે, ત્યારે આ રિવર ફ્રન્ટના પ્રોજેક્ટ દરમિયાન રંગમતિ નદી પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરીને નદીકાંઠાના વિસ્તારને વિકસાવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ ચરણમાં ખાસ કરીને નદી ને ઊંડી કરવાનો પ્રોજેક્ટ ચાલુ થયો છે, જે ચોમાસા સુધીમાં પૂર્ણ થઈ જાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી ચોમાસા પહેલા સમગ્ર દબાણ હટાવીને વરસાદી પાણીની સમસ્યામાંથી લોકોને રાહત મળે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેઓના વિધાનસભા વિસ્તારમાં અનેક લોકોને પાણી ભરાવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમાંથી છૂટારો મળે તે માટે મહા નગરપાલિકાની ટીમને સત્વરે કામે લગાડી દેવામાં આવી છે.