જામનગરમાં દારૂબંધી ના ધજાગરા ઉડાવતો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬, માર્ચ ૨૪ જામનગર શહેરમાં દારૂ બંધી ના ધજાગરા ઉડાવતો વધુ એક વિડિયો સામે આવ્યો છે. બ્લુ કલરની સાડી પહેરેલી એક મહિલા નવા બંધાઈ રહેલા બ્રિજની નીચે જાહેરમાં દારૂ પીને હોળી ની ધમાલ મસ્તી મચાવી રહેલી નજરે પડી રહી છે.તેની સાથે જ અન્ય બે પુરુષો પણ એકજ બોટલમાંથી કોઈ પ્રવાહી પી રહ્યા હોય તે પ્રકારનો કોઈ વ્યક્તિ દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લેવાયો છે. ઉપરાંત મહિલા દ્વારા પણ બિન્દાસ પણે વિડીયો ઉતારવામાં સહમતી દર્શાવાઇ છે અને ચડે ચોક ધુળે દિવસે એક બોટલ માંથી કોઈ પ્રવાહી પી રહેલા કેમેરામાં કેદ થયા છે.જે વિડિયો હાલ જામનગરના સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત અલગ અલગ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
જોકે આ વિડીયો ક્યાંનો છે, તે સ્પષ્ટતા થયું નથી, પરંતુ હાલ જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીકના વિસ્તારમાં નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે, અને તે બ્રિજની આસપાસ બ્લુ કલરના પતરા લગાવી દીધા છે, જે પતરા તેમજ બ્રિજ વગેરે વીડિયોમાં નજરે પડી રહ્યા છે. તેથી આ વિડિયો જામનગર નો હોય, અને હોળી ધુળેટીના કલર પણ દેખાતા હોવાથી ધૂળેટીના દિવસનો આ વિડીયો હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.
ઉપરાંત આ વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે, તે મહિલા પણ જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં રહેતી બાવરી મહિલા નો વિડીયો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જે મહિલા દારુ અંગેની પ્રવૃત્તિમાં તેમજ ચોરી ચપાટી ના રવાડે ચડી ગઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જામનગર પોલીસ દ્વારા પણ આ મામલે ખરાઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.