વાવાઝોડાથી ધોવાઈ ગયેલા ખેતરોનો સરવે કરીને સહાય ચૂકવશે ગુજરાત સરકાર.
અમદાવાદ: તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડામાં મોટું નુકસાન થયું છે. ત્યારે સરવે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી.
ત્યારે મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સરવેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે.
આ વિશે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યુ કે, જે નુકસાન થયું છે તેનો સરવે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે ખેડૂતોને સહાયતા ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. જેના સરવેની કામગીરી સત્વરે હાથ ધરવા સંબંધિત જિલ્લા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
ખેડૂતોને યુદ્ધના ધોરણે સહાય ચૂકવવા ભારતીય કિસાન સંઘે ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા કહેવાયુ કે, ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયુ છે. ખેડૂતોના યાંત્રિક ઉપકરણો અને ગોડાઉનમાં થયેલા નુકશાન માટે પણ સહાય ચૂકવવામાં આવે. આ માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી સહાય માટે માંગણી કરાઈ.