જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં એક દર્દીના સગા દ્વારા ખુલ્લી છરી સાથે હંગામો મચાવાયો
-
પ્રથમ માળે દેકારો કર્યા બાદ નીચે આવીને સિક્યુરિટી વિભાગ ના ટેબલ વગેરે ઊંધા પાડી દેતાં ભારે દોડધામ
-
નવી બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ ના મનસ્વી વર્તન અને દર્દીઓના સગાઓને હેરાન પરેશાન કરતા હોવાની થોકબંધ ફરિયાદ ઉઠવા પામી છે. !!
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ ફેબ્રુઆરી ૨૫ જામનગરની સરકારી જીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં ગઈકાલે અડધી રાત્રે પાન મસાલાના ચેકિંગ ને લઈ પેટ્રોલિંગમાં નીકળેલા સીક્યુરીટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે બબાલ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો તેવા માં દર્દીના સગાને હાથમાં છરી વાગી જતા મામલો વધુ બીચક્યો હતો જેને લઈ ભારે દોડધામ મચી ગઈ હતી બીજી બાજુ નવી બિલ્ડીંગ માં અવાર નવાર બબાલ થવાની વાત કાઈ નવી રહી નથી અગાઉ પણ સિક્યુરિટી ગાર્ડની પોલીસ કર્મચારી , ડોકટર , શહેરીજનો સાથે માથાકુટ થઈ ચૂકી છે. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા તેવામાં ગઈકાલ રાત્રે વધુ એક બબાલ સર્જાતા હોસ્પિટલ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગઈકાલ રાત્રે પાન મસાલાના ચેકિગ બાબતે એક દર્દીના સગા દ્વારા ભારે હંગામો મચાવાયો હતો. ખુલ્લી છરી સાથે ધસી આવેલા શખ્સ દ્વારા સૌ પ્રથમ પહેલા માળે દેકારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખુલ્લી છરી સાથે નીચે ધસી આવી સિક્યુરિટી વિભાગના ટેબલ વગેરેને ઉંધા પાડી દઈ નુકસાની પહોંચાડી હતી, અને ફરજ પર હાજર રહેલા સિક્યુરિટી ના જવાનો સાથે પણ ભારે ધમાંચકડી કરી હતી.
જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. દર્દી અને તેના સગા બંને સામે જી.જી. હોસ્પિટલમાં પાન મસાલા ખાવા બાબતે સિક્યુરિટી વિભાગ સાથે રક ઝક થઈ હતી, ત્યારબાદ છરી સાથે ધસી આવેલા શખ્સે હંગામો મચાવી દીધો હતો. જોકે મોડેથી પોલીસ તંત્રને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. જો કે આ પ્રકરણમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. પરંતુ તંત્ર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.