જામજોધપુર સમાણા એરફોર્સ ના એક કર્મચારીએ સસ્તું સોનું મેળવવાની લાલચમાં રૂપિયા ૮ લાખ ગુમાવ્યા
-
હિંમતનગરના બે શખ્સોએ સોનાના ખોટા સિક્કા પધરાવી દઈ આઠ લાખ રૂપિયા લઈ જઇ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા એરફોર્સમાં ફરજ બજાવતા એક એરફોર્સના કર્મચારી હિંમતનગર વિસ્તારના બે ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને સાચા ને બદલે ખોટા સોનાના સિક્કા પધરાવી દઈ આઠ લાખ પડાવી લઇ છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલ સમાણા એરફોર્સ મા એરમેન મેસમાં ફરજ બજાવતા પારસ કિશનલાલ રાજ્ય પુરોહિત (ઉમર વર્ષ ૨૬) કે જેઓ હિંમતનગરના વતની લાલજીભાઈ મોતીરામભાઈ બાવરી ના સંપર્કમાં આવ્યા હતા, અને તેની સાથે દીલાભાઈ સલાટ વગેરે બન્નેએ મળીને પારસ ભાઈ ને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી સોના ના ખોટા સિક્કા પધરાવી દીધા હતા, અને તેના બદલામાં આઠ લાખ રૂપિયા ની રોકડ રકમ મેળવી લીધી હતી. અને છુમંતર થઈ ગયા હતા.
પાછળથી તપાસ કરાવતા સોનાના સિક્કા બનાવટી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પારસભાઈ રાજ્ય પુરોહિત ની ફરિયાદ ના આધારે પોલીસે લાલજી મોતીરામ બાવરી અને દીલાભાઇ સલાટ સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.